રાજકોટ, રાજકોટ જિલ્લામાં છેલ્લા ૫ દિવસથી મેઘરાજા વીજળીના કડાકા ભડાકા સાથે વરસી રહ્યા છે. અનરાધાર વરસાદથી કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્‌યું છે. આવું જ કુદરતી સૌંદર્ય ધોરાજીના પાટણવાવ નજીક આવેલા ઓસમ ડુંગર પર પણ જાેવા મળ્યું છે. ધોધમાર વરસાદથી ઓસમ ડુંગર પરથી ધોધ વહ્યો હતો. આથી અદભૂત દૃશ્યો સર્જાયા છે. તેમજ વરસાદથી ઓસમ ડુંગર લીલીછમ્મ હરિયાળીથી ખીલી ઉઠ્‌યો છે. આ ધોધનો અદભૂત નજારો કોઇએ પોતાના મોબાઇલમાં કેદ કર્યો છે. થોડા દિવસ પહેલા પણ ધોરાજીમાં ધોધમાર વરસાદથી ઓસમ ડુંગર પરથી ધોધ વહ્યો હતો. ઓસમ ડુંગર પર સ્વયંભૂ ટપકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને પર્યટક સ્થળમાં પણ સમાવેશ થાય છે. ચોમાસા દરમિયાન અહીં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠે છે. હાલ ઓસમ ડુંગર પર ધોધમાર વરસાદથી નયનરમ્ય નજારો જાેવા મળી રહ્યો છે. ઓસમ ડુંગર પ્રવાસીઓ માટે પ્રવાસન ક્ષેત્રે પ્રખ્યાત બની રહ્યો છે. આ ઓસમ ડુંગર ઉપર તહેવારોની સીઝનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. ઓસમ ડુંગર ધોરાજી હિમાચલ પ્રદેશ જેવી હરિયાળીનો નજારો જાેઇને પર્યટકો પ્રફૂલ્લિત બની જાય છે. ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે આવેલ ઓસમ ડુંગર ઉપર માત્રી માતાજીનું મંદિર, હિડંબાનો હિંચકો, સ્વયંભૂ ટપકેશ્વર મહાદેવ મંદિર, તળાવ, સહિતના જૈન ધર્મની આસ્થાસમી ધાર્મિક જગ્યાઓ આવેલી છે. ધોરાજીના પાટણવાવ નજીક આવેલા ઐતિહાસિક ઓસમ ડુંગર પર મહાભારત કાળના અનેક અવશેષો જાેવા મળે છે. ભીમ અને હિડંબા અહીં સાથે રહ્યા હતા. ઓમ આકારનો પર્વત દેખાતાં ઓમ સમ= ઓસમ પર્વત નામ પડ્યું હતું. ભાદરવી અમાસે આ ડુંગર પર ભવ્ય લોકમેળો ભરાઇ છે. જેમાં સોળેકળાએ ખીલેલી પ્રકૃતિની સુંદરતા પ્રકૃતિપ્રેમીઓ મનભરીને માણે છે.

ગીર સોમનાથના સુત્રાપાડામાં ચાર દિવસથી અનરાધાર વરસાદથી બ્રિજ ધોવાઇ ગયો

ગીર - સોમનાથ  છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગીર-સોમનાથના સુત્રાપાડામાં અનારાધાર વરસાદ પડી રહ્યો છે. વરસાદને પગલે અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે. આ ઉપરાંત અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે. આ દરમિયાન અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે. બીજી તરફ ખેરા અને વસાવડ ગામ વચ્ચે વાડી વિસ્તારમાં ભારે વરસાદથી એક બ્રિજ ધોવાયો છે. આ બ્રિજ પરથી ખેડૂતો અવરજવર કરતા હતા. ખેરા અને વસાવડ ગામનો જાેડતો બ્રિજ ધોવાઈ ગયાની માહિતી મળી છે. બ્રિજ ધોવાઈ ગયાનો આખો બનાવ ખેડૂતો પોતાના મોબાઇલ ફોનમાં કેદ કરી લીધો છે. આ દ્રશ્યોમાં જાેઈ શકાય છે કે આખો બ્રિજ પાણીના ધસમસતા પ્રવાહમાં ધોવાઈ રહ્યો છે. ભારે વરસાદને પગલે જામકંડોરણાનો ફોફળ-૧ ડેમ ઓવરફલો થવાની તૈયારીમાં છે. ફોફળ ડેમમાં ૧૧ ફૂટ નવા નીરની આવક થઈ છે.

જેના પગલે ડેમની સપાટ ગઈકાલે ૨૩ ફૂટે પહોંચી હતી. આ અંગે રાજકોટ જિલ્લા કલેક્ટરે ટ્‌વીટ કરીને લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. દુધીવદર, ઇશ્વરીયા, તરવડા અને વેગડી ગામના લોકોને સાવચેત રહેવા તથા નદીના પટમાં અવરજવર ન કરવાની સૂચના આપવામાં આવી છે. જામકંડોરણા પંથકમાં સાડા ચાર ઇંચ કરતા વધારે વરસાદ પડતા દુધીવદર ગામ ખાતે આવેલો ફોફળ-૧ ડેમ હાલ ભરાયો છે. આ ડેમની કુલ સપાટી ૮૧.૭૫ મીટર છે. ડેમની ગુરુવારની સપાટી ૮૦.૨૯ મીટર હતી. બીજી તરફ ધોરાજીના ભૂખી ગામ ખાતે આવેલો ભાદર-૨ ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. જેના પગલે ૩૭ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. લોકોને નદીના પટમાં ન જવાની સૂચના આપી દેવામાં આવી છે. ભાદર -૨ ડેમની જળ સપાટી ૫૩.૧ મીટર છે, જ્યારે જળાશયની હાલની સપાટી ૫૧.૧ મીટરે પહોંચી છે. ડેમમાં ૬,૭૧૭ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમની સપાટી વધતા ધોરાજી તાલુકાના ૪ ગામોને એલર્ટ કરાયા છે. જેમાં ભોળા, ભોળગામડા, છાડવાવદર, સુપેડી ગામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઉપલેટાના ૧૫ ગામ, કુતિયાણાના ૧૦ ગામ અને પોરબંદરના ૪ ગામને એલર્ટ કરાયા છે.

ખાલી પડેલા તમામ ડેમો,તળાવો,નદીઓ ઓગની જતા પાણી ગામો અને ખેતરોમાં ઘુસતા હાલાકી

કચ્છ પશ્ચિમ કચ્છમાં છેલ્લા ૪ દિવસથી મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે.જેના કારણે ખાલી પડેલા તમામ ડેમો,તળાવો,નદીઓ ઓગની જતા પાણી ગામો અને ખેતરોમાં ઘુસી રહ્યું છે .સતત વરસાદના કારણે ખેતરો પણ તળાવમાં ફેરવાઈ ગયા છે.છેલ્લા ચાર જ દિવસમાં લખપત,અબડાસા,નખત્રાણા અને માંડવી-મુન્દ્રામાં સાંબેલાધાર મેઘો વરસ્યો હોવાથી અહીં તરોમાં ઉભા પાકને નુકશાન થવા પામ્યું છે.વાવણી કરેલો પાક ધોવાઈ જવા સાથે ખેતરોના બંધારા પણ તૂટી ગયા છે જેથી સરકાર દ્વારા સહાય આપવામાં આવે તે જરૂરી છે.. અબડાસા અને લખપતને જાેડતા માર્ગ પર પાણી ફરી વળ્યા..રામપર નજીક આવેલ મીઠી ડેમ ઓવરફ્લો થતાં રામપર નદીના પાણી બે કાંઠે વહ્યા હતા જ્યારે અબડાસા અને લખપતને જાેડતો માર્ગ થયો બંધ થતાં સંપૂર્ણ વાહન વ્યવહાર ઠપ...થઇ ગયો હતો અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં.

બાલાગામ ઘેડમાં ઓઝત નદીનો પાળો તૂટતા હજારો વિઘા જમીન પાણીમાં

કેશોદ પંથકના બામણાસા ધેડ અને બાલાગામ ખાતે આવેલ ઓઝત નદીમાં ઉપરવાસમાં પડેલાં વરસાદી પાણીની આવક થતાં ખેડુતોએ પાણી રોકતાં બનાવેલાં માટીના પાળા તૂટી પડતાં હજારો વીધા જમીન પાણીમાં ગરકાવ થઈ હતી. જેથી મગફળીને નુકસાન થયું હતું. આ અંગેની મળતી વિગત મુજબ ઘેડ પંથકની ઓઝત નદી સાંકળી બનતાં તેમજ નાના વોકળા પેશકદમી કરી બંધ કરાતાં વારંવાર પાળા તુટવાની ઘટના બને છે.છેલ્લા ૩ વર્ષમાં બામણાસા ગામે પાળો તૂટવાથી મોટા પાયે ખેડૂતોની જમીનનું ધોવાણ તેમજ મગફળીના પાકને નુકશાન થઈ રહ્યું છે. એવી જ રીતે બે વર્ષ પહેલાં ૮૦ મીટર તૂટેલો પાળો તંત્રએ આરસીસીથી બનાવી આપ્યો તો ગત વર્ષે તેની બાજુમાં આવેલ પાળો તૂટ્યો હતો. આ પાળાને પાકો બનાવવા તંત્રએ સહાય મંજૂર કરી પણ સમયસર પાળો બનાવવા ઉણું ઉતર્યું જેને લઈ ખેડૂતે હજારો ખેડૂતોની ચિંતા કરી સરકારી વાહનનો ઉપયોગ કરી માટીનો કાચો પાળો બનાવી નાખ્યો હતો. નદી વળાંક લેતી હોય પાળાની નીચે પોલાણ સર્જાતાં પાળો તૂટી ગયો હતો. આ ઘટનાથી આખું ચોમાસું જ્યાં સુધી નદીમાં પાણીની આવક રહેશે ત્યાં સુધી બામણાસા ગામ કેશોદ તાલુકાથી વિખુંટુ રહેશે. અને હજારો વીધામાં વાવેતર કરાયેલ મગફળી નિષ્ફળ જશે.