મહેસાણા, મહેસાણાના ભેસાણ ગામના એક પરિવારે જાપાનમાંથી પુત્રને પરત લાવવા માટે મદદની અપીલ કરી છે. જયેશ પટેલ નામનો યુવાન છેલ્લા ૭ મહિનાથી જાપાનની એક હોસ્પિટલમાં દાખલ છે. ત્યારે જયેશને ભારત પરત લાવવા માટે અંદાજે દોઢ કરોડ જેટલો ખર્ચ થવાની સંભાવના છે જે પરિવાર ઉઠાવી શકે તેમ નથી. જેને લઇ જયેશના પરિવારે મદદ કરવા લોકોને અપીલ કરી છે.વર્ષ ૨૦૧૮ માં જયેશ પટેલ જાપાન નોકરી કરવા ગયો હતો. જયેશની પત્ની જલ્પા પ્રેગ્નેન્સીને લઇને ભારત પરત આવી હતી. જયેશનું સ્વાસ્થ્ય બગડતા ૫ ઓક્ટોબર ૨૦૨૦ ના તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું ટીબીના રોગની સારવાર કરવામાં આવી હતી. પરંતુ જાન્યુઆરીમાં જયેશને બ્રેઇન સ્ટ્રોક આવતા તેનું સ્વાસ્થ્ય વધારે ખરાબ થયું હતું. જયેશના પિતા હરિભાઈ નિવૃત શિક્ષક છે અને તેઓ ૨૦ દિવસથી જાપાનમાં છે. જાે કે, પરિવારે જયેશને ભારત પરત લાવવા માટે હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો. પરંતુ હોસ્પિટલમાંથી ફિટ ટૂ ફ્લાઈટનું સર્ટિફિકેટ આપવાની ના પાડી હતી જેથી જયેશને પ્રાઇવેટ એર એમ્બ્યુલેન્સમાં ભારત પરત લાવવો પડે તેમ છે. જેમાં અંદાજે દોઢ કરોડ જેટલો ખર્ચ થવાની સંભાવના છે. જે પરિવાર માટે અશ્ક્ય છે. તેથી જયેશના પરિવાર અને તેના મોટાભાઈ હાર્દિક પટેલે સરકાર અને લોકો પાસે આર્થિક મદદ માટે અપીલ કરી છે.