જામનગર-

રાજ્યના પૂર્વ પ્રધાન હરિદાસ જીવણદાસ લાલના બંન્ને પુત્રો અશોકભાઇ લાલ તથા જીતુભાઇ લાલ જામનગરમાં શીપીંગ વ્યવસાય સાથે સંકડાયેલા છે. ટાઉનહોલ પાસે તેમની પ્રતિષ્ઠીત શ્રીજી શિપીંગ કંપનીની ઓફિસ આવેલી છે. શિપીંગ ક્ષેત્રે ખુબ જ મોટી નામના ધરાવનાર લાલ પરિવાર રાજકારણ તેમજ સામાજિક સેવા ક્ષેત્રે પણ વર્ષોથી સંકડાયેલો રહ્યો છે. સેવાકિય પ્રવૃતિ માટે જાણીતા લાલ પરિવારે તેમના પિતા સ્વ.હરિદાસ જીવણદાસ લાલના નામે ચેરીટેબલ ટ્રસ્ટની રચના કરી છે. જેના નેજા હેઠળ વર્ષોથી શહેર અને જિલ્લામાં અનેક સેવાકિય પ્રવૃતિઓ નિયમિત રીતે કરવામાં આવે છે.

જામનગરનો લાલ પરિવાર પ્રાઇવેટ જેટ ધરાવનાર સૌરાષ્ટ્રનો પ્રથમ પરિવાર બન્યો છે. તાજેતરમાં જ લાલ પરિવારે પ્રાઇવેટ જેટ ખરીદ કર્યું છે. જેમાં પરિવારના વડીલોએ દ્વારકા સુધીની મહુર્ત ઉડાન ભરીને જગત મંદિરમાં ભગવાન દ્વારકાધિશના દર્શન કર્યા હતા. 

જામનગરના આ પ્રતિષ્ઠિત સ્વ. બાબુલા જીવનદાસ લાલ પરિવારે તાજેતરમાં પ્રાઇવેટ જેટ ખરીદીને તેમની યશકલગીમાં વધુ એક પીછું ઉમેર્યું છે. તેમજ પ્રાઇવેટ જેટ ધરાવનાર સભંવત: સૌરાષ્ટ્રનો પ્રથમ પરિવાર બનીને જામનગરને પણ ગૌરવ અપાવ્યું છે. પ્રાપ્ત માહીતી આનુસાર અંદાજે રૂપિયા 15 કરોડના ખર્ચે ખરીદવામાં આવેલા આ ખાનગી જેટની ડિલીવરી મળી જતાં પરિવારના મોભીઓ અશોકભાઇ લાલ તેમના માતા તથા તેમના પુત્ર શનિવારે આ પ્રાઇવેટ જેટમાં ઉડાન ભરીને યાત્રાધામ દ્વારકા ગયા હતા. જ્યાં તેમણે ભગવાન દ્વારકાધિશના દર્શન કર્યા હતા.10 સીટનું આ પ્રાઇવેટ જેટ હાલ અમદાવાદ એરપોર્ટના પાર્કિંગ સ્લોટમાં રાખવામાં આવશે, ત્યારબાદ જામનગર એરપોર્ટ પર એરપોર્ટ ઓથોરિટી દ્વારા પાર્કિંગ સ્લોટ ઉપલબ્ધ કરાવ્યે જામનગર લાવવામાં આવશે.