પહેલીએ રાજ્યમાં બે બેઠકો પર રાજ્યસભાની પેટા ચૂંટણી
05, ફેબ્રુઆરી 2021

ગાંધીનગર, ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણી વખતનો રાજકીય ગરમાવો આજે પણ ગુજરાત જ નહીં પણ દેશમાં ચર્ચાઈ છે. રાજ્યસભાની ચૂંટણી વખતે રાજ્યના ધારાસભ્યોને અન્ય રાજ્યોમાં ખસેડવા અને ધારાસભ્યોનો પક્ષપલટો કરવો હવે સામાન્ય બાબત બની ગઈ છે. તેવામાં હવે રાજ્યમાં ફરીથી આ જ પ્રકારનો રાજકીય ગરમાવો ગુજરાતમાં જાેવા મળશે. કેમ કે, ૧ માર્ચે ગુજરાતમાં રાજ્યસભાની પેટાચૂંટણી યોજાવાની છે. અહેમદ પટેલ અને અભય ભારદ્વાજના નિધનથી ખાલી પડેલી બેઠકોને લઈ આ ચૂંટણી યોજાશે. રાજ્યસભાની ચૂંટણીનું જાહેરનામું ૧૧ ફેબ્રુઆરીએ જાહેર થશે. ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૮ ફેબ્રુઆરી છે. ૧૯ ફેબ્રુઆરીએ ઉમેદવારોએ ફોર્મ ભરવાનું રહેશે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ ૨૨ ફેબ્રુઆરી રાખવામાં આવી છે. પહેલી માર્ચે સવારે ૯થી ૪ વાગ્યા સુધી મતદાન યોજાશે. ચૂંટણીની મતગણતરી પહેલી માર્ચે સાંજે પાંચ વાગે યોજાશે.

ગુજરાતમાં રાજ્યસભાની સીટોની વાત કરીએ તો કુલ ૧૧ સીટમાંથી ૭ સીટ ભાજપની છે તો ૪ સીટ કોંગ્રેસ પાસે છે. ભાજપના રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અને કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલના નિધન બાદ બંને બેઠક ખાલી પડી રહી હતી. હવે આ બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી યોજાશે. કોંગ્રેસના સાંસદ અહમદ પટેલનું કોરોના સંક્રમિત થયા બાદ સારવાર દરમિયાન દિલ્હીમાં ૨૫ નવેમ્બર ૨૦૨૦ના રોજ નિધન થયું હતું. જ્યારે અભય ભારદ્વાજનું કોરોનાની સારવાર દરમિયાન ચેન્નઈમાં ૧ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ નિધન થયું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution