05, ડિસેમ્બર 2020
ગાંધીનગર-
કોરોનાની વેક્સિન બજારમાં આવે તો તે સમયે દરેક વ્યક્તિને કોરોના વેક્સિન સમયસર મળી રહે અને તે માટે કોઈ અવ્યવસ્થા ન થાય તે માટે સરકારે આગોતરી તૈયારીઓ પૂરી કરી લીધી છે. વેક્સિનનો સ્ટોક રાખવા માટે શહેરમાં ફ્રીઝર આવી ગયાં છે, જે ફ્રીઝર આઇસલાઇન રેફ્રિરેજેટર (આઇએલઆર)ના નામે ઓળખાય છે, જેમને ગોડાઉન ઉપરાંત અન્ય સ્થળોએ ટૂંક સમયમાં ખસેડવામાં આવશે.
એક અંદાજ મુજબ ગુજરાતમાં ૩.૯ લાખ હેલ્થ વર્કરને રસી આપવામાં આવે તેવી શક્યતા છે. પહેલા તબક્કામાં હેલ્થ વર્કર, નર્સિંગ સ્ટાફ, લેબ ટેકનિશિયન્સનો સમાવેશ થાય છે. આ યાદીમાં પણ કોને પહેલાં આપવી તેનો અગ્રતાક્રમ (પ્રાયોરિટી) કેન્દ્ર સરકાર નક્કી કરશે. બીજા વિભાગમાં કોરોના વોરિયર્સનો સમાવેશ થાય છે, જેમાં પોલીસ વિભાગ, પાલિકાના તમામ સફાઇ કર્મચારીઓ અને એવા શિક્ષકો, જેમણે કોરોનાની કામગીરીમાં ફરજ બજાવી છે. હાલમાં સરકારના પોર્ટલ પર યાદી અપલોડ કરાઇ રહી છે. રસીની સુરક્ષા માટે પોલીસ વિભાગ પણ વિશેષ બંદોબસ્ત ગોઠવશે.
રસીકરણ આ માસના અંતિમ સપ્તાહમાં કે જાન્યુઆરીના પ્રારંભે શરૂ થવાની શક્યતા જિલ્લા કલેક્ટરના વડપણ હેઠળ કામગીરી કરવામાં આવશે. સંભવિત જિલ્લા-તાલુકા કક્ષાએ ટાસ્ક ફોર્સ કમિટીમાં કલેક્ટર (વડા) આરોગ્ય અધિકારી, જિલ્લા રમતગમત અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, સિવિલ સર્જન, જિલ્લા પોલીસવડા, માહિતી અધિકારીનો સમાવેશ થાય છે. રસીકરણ આ માસના અંતિમ સપ્તાહમાં કે જાન્યુઆરીના પ્રારંભે શરૂ થવાની શક્યતા છે.