વડોદરા, તા.૪

પાદરા તાલુકાના ગામેઠા ગામના વણકરવાસમાં રહેતા રજનીકાંત કંચનભાઈ વણકર રિક્ષા ડ્રાઈવીંગ કરે છે. તેમની બંને બહેનો પરિણીત હોઈ અને માતાનું અવસાન થયું હોઈ તે હાલમાં તેમના પિતા સાથે રહેતા હતા. ગત ૨જી તારીખના સવારે સાડા આઠ વાગે તેમના પિતાનું નિદ્રાધીન અવસ્થામાં મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ કરતા તેમના બેન-બનેવીઓ અને અન્ય સંબંધીઓ ઘરે દોડી આવ્યા હતા. રજનીકાંતે તેમના પિતાની અંતિમવિધિની તૈયારી શરૂ કરી હતી અને ફળિયામાં રહેતા યુવકો સાથે લાકડા ભેગા કરી તે ટેમ્પોમાં ભરીને ગામના સ્મશાનમાં મુક્યા હતા અને તે પાડોશી સાથે ઘરે પરત ફર્યા હતા. આ દરમિયાન સ્મશાનમાં ચિતા પર લાકડા ગોઠવી રહેલા પાડોશી યુવકે યુવકે રજનીકાંતને ફોન પર જાણ કરી હતી કે આપણા ગામના રાયસંગભાઈ માનસંગ પઢિયાર સ્મશાનમાં આવ્યા છે અને તે લાકડા હટાવવાની વાત કરે છે.

આ ફોનના પગલે રજનીકાંત સ્મશાનમાં દોડી ગયો હતો જયાં તેણે જાેયું હતું કે તેણે પિતાના અગ્નિદાહ માટે મુકેલા લાકડા દુર પડેલા હતા. બીજીતરફ સ્મશાનમાં દોડી આવેલા ગામમાં રહેતા રાયસીંગ પઢિયાર સહિતના પઢિયાર સમાજના અગ્રણીઓએ તેને જાતિ વિરુધ્ધ અપમાનજનક શબ્દો બોલી તમે અમારા સ્મશાનમાં કેમ લાકડા નાખ્યા છે તેવું પુછયું હતું જેથી રજનીકાંતે તેઓને જણાવ્યું હતું કે અમારા સમાજના લોકો જે જગ્યાએ લાશના અંતિમસંસ્કાર કરે છે તે જગ્યાએ હાલ વરસાદના કારણે પાણી ભરાયેલા હોવાની ત્યાં અંતિમસંસ્કાર થાય તેમ નથી જેથી અમે સ્મશાનમાં લાકડા લાવ્યા છે. આવી વાત કરી રજનીકાંત ઘરે પરત ફર્યો હતો.

આ અંગેની રજનીકાંતે ગામના સરપંચ નગીનભાઈ મગનભાઈ પઢિયારને ફોન કરતા તેમણે હું વડોદરા છું અને ગામમાં આવું છું તેમ જણાવ્યું હતું. ત્યારબાદ રજનીકાંતના પિતાની સ્મશાનયાત્રા સ્મશાન પાસે પહોંચતા જ ત્યાં હાજર સરપંચ નગીનભાઈ સહિત પઢિયાર સમાજનામાં ભેગા થઈ રજનીકાંત સહિતના ડાઘુઓને જાતિ વિરુધ્ધ પોલીસ તમારે અમારા સ્મશાનમાં અગ્નિસંસ્કાર કરવા નહી, તમારુ સ્મશાન અલગ આપ્યું છે ત્યાં અગ્નિસંસ્કાર કરો તેમ કહી ટાંટિયા ભાંગી નાખી અને મારી નાખવાની ધમકી આપી હતી.

ગામના પઢિયાર સમાજના અગ્રણીઓ જાહેરમાં કરેલા અપમાનથી દલિતોમાં ભારે નારાજગી વ્યાપી હતી પરંતું ગામનું વાતાવરણ બગડે નહી તે માટે સમાજના અગ્રણીઓ અને માણસોએ સ્મશાનથી ૨૦૦ મીટર દુર પંચાયતની ખુલ્લી જગ્યામાં રજનીકાંતના પિતાની અંતિમવિધિ કરાઈ હતી.

આવી ગંભીર ઘટનામાં પોલીસ મૂકપ્રેક્ષકની જેમ તમાશો જાેતી રહી

દલિત સમાજના વૃધ્ધના મોતના બનાવમાં પણ માનવતા ચુકેલા ગામેઠા ગામના પઢિયાર સમાજના અગ્રણીઓએ સ્મશાનમાં અંતિમવિધિ નહી કરવા દે તેવું લાગતા વૃધ્ધના પુત્રએ પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરી હતી. ગામમાં પરિસ્થિતિ તંગ બને તેમ લાગતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસ આવ્યા બાદ રજનીકાંતના પિતાની અંતિમયાત્રા નીકળી હતી પરંતું પોલીસની હાજરીમાં સરપંચ સહિતના પઢિયાર સમાજના અગ્રણીઓએ રજનીકાંત સહિત દલીત સમાજના ડાઘુઓને જાતિ વિરુધ્ધ શબ્દો બોલી મારી નાખવાની ધમકી આપી હતી અને નવાઈ વચ્ચે આવી ગંભીર ઘટનામાં પોલીસે દરમિયાનગીરી કરી મામલો થાળે પાડવાના બદલે મુક પ્રેક્ષકની જેમ તમાશો જાેતા પોલીસે શા માટે દલિતો પર થઈ રહેલા અમાનવીય વર્તન અટકાવવાનો પ્રયાસ ના કર્યો તે પણ તપાસનો વિષય બન્યો છે.

સરપંચ સહિત ૧૩ની ધરપકડ

દલિતો સાથે અમાનવિય વર્તણુંક કરવાના બનાવની વડુ પોલીસ મથકમાં નામજાેગ આરોપીઓ વિરુધ્ધ ફરિયાદ નોંધાઈ છે જેને પગલે પીઆઈ વી.એમ.ટાંક સહિતના સ્ટાફે તપાસ શરૂ કરી હતી. આ બનાવમાં સંડોવાયેલા ગામેઠા ગામના સરંપચ નગીન મગનભાઈ પઢિયાર તેમજ અશોક શાંતીલાલ પઢિયાર, વિજય લક્ષ્મણ પરમાર, ઘનશ્યામ વિઠ્ઠલ પઢિયાર, ભદા મંગળ પઢિયાર, ચંદ્રસંગ દલપત પઢિયાર, મગન ગણપત પઢિયાર, રાયસંગ માનસંગ પઢિયાર, રમણ ભગવાન પઢિયાર, અરવિંદ મોહન પઢિયાર, મંગળ મેલસંગ પઢિયાર, ભમ્પો બેચર પઢિયાર અને બળવંત ભગવાન પઢિયારની ધરપકડ કરી હતી. જાેકે તેઓને કોર્ટમાં રજુ કરવાના બદલે પોલીસ મથકેથી જામીન પર મુક્ત કરવાની પોલીસે તજવીજ હાથ ધરી હતી.

ડીવાયએસપી-મામલતદારની બંને સમાજના અગ્રણીઓ સાથે શાંતિવાર્તા

દલિત સમાજના રહીશોના અપમાન બાદ ગામેઠા ગામમાં તંગદિલીનું વાતાવરણ છે. આ અંગે વડુ પોલીસ મથકના પીઆઈ ટાંકે જણાવ્યું હતું કે બે દિવસ બનેલી ઘટનાની પોલીસ ફરિયાદ બાદ ફરી કોઈ પડઘા ના પડે તે માટે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ ઉપરાંત ગામમાં ફરી બે સમાજના રહીશો વચ્ચે ઘર્ષણ ના થાય તે માટે આજે ડીવાયએસપી અને મામલતદારની હાજરીમાં બંને સમાજના અગ્રણીઓ અને રહીશો સાથે શાંતિ વાર્તાનું આયોજન કરાયું હતું અને આવી ઘટનાનું ફરી પુનરાવર્તન ના થાયે તે માટેની સમજ આપવામાં આવી હતી.