પાટણ, પાટણ જિલ્લાના હારીજમાં પ્રેમ કરવાની જાણે કે યુવતી ભૂલ કરી બેઠી હોય તેમ તાલિબાની સજા યુવતીને આપવામાં આવી હોવાનો વીડિયો ફરતો થયો છે. વીડિયોમાં જે હદે યુવતી પર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે તે જાેઇને એક સમયે આપણું હૃદય પણ કંપી ઉઠે. પ્રેમી સાથે ભાગેલી યુવતીનું મોઢું કાળું કરવામાં આવ્યું હતું, માથે મુંડન કરવામાં આવ્યું અને માથા પર ગરમ દેવતા મૂકી વાદી વસાહતમાં ફેરવવામાં આવી હતી. જે વીડિયો વાઈરલ થયા છે, એ ઘટના પાંચ દિવસ પહેલા બની હોવાનું જાણવા મળ્યું છે. હારીજની વાદી વસાહતમાં રહેતી એક યુવતીને પ્રેમ થઇ ગયો હતો. યુવતીને ખબર હતી કે સમાજ તેના પ્રેમને સ્વીકારશે નહીં જેથી તેણે સમાજના નિયમોને નેવે મૂકીને પ્રેમી સાથે ભાગવાનો ર્નિણય કર્યો હતો. યુવતી પ્રેમી સાથે ભાગવામાં સફળ રહી હતી પરંતુ યુવતીના આ પગલાની જાણ વસાહતને થતાં યુવતીને પકડીને વસાહતમાં લાવવામાં આવી હતી. યુવતીએ વાદી સમાજના બંધારણનું ઉલ્લંઘન કરતા સમાજના આગેવાનોએ સમાજની દીકરીને આકરી સજા આપવાનો ર્નિણય કર્યો હતો. યુવતીને વાદી સમાજના બંધારણનું ઉલ્લંઘન કર્યું હોવાથી સમાજના આગેવાનોએ તેને તાલિબાની સજા ફટકારી હતી. યુવતીના માથે મૂંડન કરવામાં આવ્યું હતું. કલાડીથી તેનુ મોઢું કાળું કરવામાં આવ્યું અને માથા પર ગરમ દેવતા મુકવામાં આવ્યા હતા. આટલેથી ન અટકતા યુવતીના હાથ બાંધી, માથા પર ગરમ દેવતા મુકીને આખી વસાહતમાં ફેરવવામાં આવી હતી. તાલિબાની સજા અપાઈ એ સમયે યુવતી સતત કરગરતી રહી, રડતી રહી પરંતુ સમાજના આગેવાનો કે ઉપસ્થિત કોઇનું હૃદય પીગળ્યું ન હતું. યુવતીને આપવામા આવેલી આ સજાનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. હારીજના આ વાઇરલ વીડિયો અંગે હારીજ પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઇ એસ.આર.ચૌધરીએ જણાવ્યું હતું કે, આ બાબતની તેમને જાણ નથી. આવો કોઇ વાઈરલ થયેલો વીડિયો તેમની પાસે આવ્યો નથી. આ મામલે પોલીસમાં કોઇપણ પ્રકારની રજૂઆત કે ફરિયાદ મળી ન હોવાનું તેમણે જણાવ્યું નથી.

આ અગાઉ દાહોદમાં મહિલાને રસ્તામાં ૨૦ ફૂટ ઢસડી-ઢસડીને મારી હતી

૧૭ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ એક વીડિયો ફરતો થયો હતો. જેમાં દાહોદ જિલ્લા ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામે કુટુંબની સ્ત્રીઓ જાેડે કેમ બોલાચાલી રાખી છે એમ કહી મહિલા પર અત્યાચાર ગુજાર્યો હતો. પોતાના જ પરિવારના ૪ જેટલા ઈસમોએ એકસંપ થઈ મહિલાને પકડી જાહેરમાં લાકડીઓ વડે તેમજ ગડદાપાટુનો માર માર્યો હતો તેમજ રોડ પર ઢસડી મારી નાખવાની ધમકીઓ આપી હતી. એ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધાં હતા.