20, સપ્ટેમ્બર 2021
દિલ્હી-
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે શરૂ થયા બાદ કેન્દ્ર સરકાર દર મહિને ૧,૦૦૦ થી ૧,૫૦૦ કરોડ રૂપિયાની કમાણી કરશે. પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં ગડકરીએ આ માહિતી આપી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે આ એક્સપ્રેસ વે વર્ષ ૨૦૨૩ સુધીમાં કાર્યરત થવાની ધારણા છે. તે ભારત માલા પ્રોજેક્ટના પ્રથમ તબક્કા હેઠળ બનાવવામાં આવી રહ્યું છે.
એનએચએઆઈ પર ઋણનો મોટો બોજ છે તેવી ચિંતા વચ્ચે ગડકરીએ કહ્યું કે નોડલ એજન્સીને ટ્રિપલ એ (એએએ) રેટિંગ મળ્યું છે અને તેના તમામ રોડ પ્રોજેક્ટ ઉત્પાદક છે. તેમણે કહ્યું કે એનએચએઆઈ દેવાની જાળમાં નથી. ગડકરીએ એનએચએઆઈ ને સોનાની ખાણ ગણાવી હતી. ગડકરીએ તાજેતરમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેની પ્રગતિની સમીક્ષા કરવા માટે લાંબી મુસાફરી પૂર્ણ કરી હતી. તેમણે કહ્યું કે એનએચએઆઈની વાર્ષિક ટોલ આવક આગામી પાંચ વર્ષમાં વધીને ૧.૪૦ લાખ કરોડ રૂપિયા થઈ જશે. અત્યારે તે ૪૦,૦૦૦ કરોડના સ્તરે છે.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે દેશના રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર સિવાય ચાર રાજ્યોમાંથી પસાર થશે. આ ૮ લેનનો એક્સપ્રેસ વે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતમાંથી પસાર થશે. આ સાથે, રાષ્ટ્રીય રાજધાની અને દેશની આર્થિક રાજધાની વચ્ચે મુસાફરીનો સમય હાલના ૨૪ કલાકથી અડધો એટલે કે ૧૨ કલાકનો થઈ જશે.
તાજેતરમાં મંત્રીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે આ વર્ષે માર્ચના અંત સુધીમાં એનએચએઆઈનું કુલ દેવું વધીને ૩,૦૬,૭૦૪ કરોડ રૂપિયા થઈ ગયું છે. આ માર્ચ ૨૦૧૭ ના અંત સુધીમાં ૭૪,૭૪૨ કરોડ હતું.