30, જાન્યુઆરી 2024
594 |
ગાંધીનગર લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાત શિક્ષણ બોર્ડ પણ ચૂંટણી અગાઉ ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાઓને આટોપી લેવાનું પૂરેપૂરું આયોજન કર્યું છે. ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાઓને તા. ૧૧ માર્ચ થી ૨૬ માર્ચ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ-૨૦૨૪ માં લેવામાં આવનારી ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરાયું છે. જે મુજબ આગામી તા. ૧૧ માર્ચ ૨૦૨૪ થી બોર્ડની પરીક્ષા શરૂ થશે. આ સાથે તા. ૨૨ માર્ચ ૨૦૨૪ના રોજ પરીક્ષા પૂર્ણ થઈ જશે. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ટાઈમ ટેબલ મુજબ ધોરણ ૧૦ના પરીક્ષાનો સમય સવારનો રહેશે. જ્યારે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ નો પરીક્ષાનો સમય બપોર પછીનો રહેશે.બોર્ડ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ ધોરણ ૧૦ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ તા. ૧૧ માર્ચથી ૨૨ માર્ચ સુધી ચાલશે. જ્યારે ધોરણ ૧૨ સામાન્ય અને ઉત્તર બુનિયાદી પ્રવાહ ની પરીક્ષાઓ તા. ૧૧ માર્ચથી ૨૬ માર્ચ સુધી ચાલશે.આ ઉપરાંત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૨ પછીની લેવાતી ગુજકેટની પરીક્ષાની પણ જાહેરાત કરાઇ છે. જે મુજબ ગુજકેટની પરીક્ષા આગામી તા. ૨ એપ્રિલ ૨૦૨૪ યોજાશે. ગુજકેટમાં ચાર વિષય ની પરીક્ષા લેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ધોરણ ૧૨ના વિજ્ઞાન પ્રવાહ બાદ એન્જિનિયરિંગ અને પેરા મેડિકલ શાખામાં જવા માટે ગુજકેટની પરીક્ષા મહત્વની હોય છે.