વડોદરા : શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં લેવામાં આવેલા ૨૩૭૬ સેમ્પલોમાંથી કોરોનાના નવા ૧૨૨ સંક્રમિતો નોંધાતા કુલ પોઝિટિવ કેસોનો આંકડો ૭,૬૯૮ પર પહોંચ્યો છે. આ ઉપરાંત શહેરમાં જુદી જુદી જગ્યાઓએ સારવાર મેળવી રહેલા બીએસએનએલના નિવૃત્ત કર્મચારી, આંકલાવના સોની સહીત કુલ ૧૫ દર્દીઓના મોત નિપજ્યા હતા. જોકે, ડેથ ઓડિટ કમિટીએ વધુ એક મરણ જાહેર કરતા શહેરનો સત્તાવાર મૃત્યુઆંક ૧૩૭ પર પહોંચ્યો છે. છેલ્લા ૧૦ દિવસથી શહેરમાં કોરોનાના આંકડાઓ રોજ નવો વિક્રમ સર્જી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં શહેર-જિલ્લામાંથી કુલ ૨૩૭૬ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલો લેવામાં આવ્યા હતા. જેમાંથી ૧૨૨ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવતા કોરોનાના એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસોનો નવો વિક્રમ સર્જાયો છે. આજે નોંધાયેલ ૧૨૨ પોઝિટિવ કેસો શહેરના રાજમહેલ રોડ, વારસિયા, અકોટા, છાણી, નિઝામપુરા સહીત કુલ ૨૦ વિસ્તારોના છે. જ્યારે, જિલ્લાના ૧૦ ગામોમાંથી પણ પોઝિટિવ કેસો મળી આવ્યા છે. આ ઉપરાંત શહેરમાં જુદી જુદી જગ્યાઓએ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં સારવાર મેળવી રહેલા બીએસએનએલના નિવૃત્ત કર્મચારી, આંકલાવના સોની સહીત કુલ ૧૫ દર્દીઓના છેલ્લા ૨૪ કલાકમાં મોત નિપજ્યા હતા. મૃત્યુ પામેલા દર્દીઓમાંથી ૧૨ દર્દીઓ વડોદરાના છે. જ્યારે, ત્રણ દર્દીઓ જિલ્લા અને આસપાસના છે. મૃત્યુ પામનાર ૧૫ દર્દીઓ પૈકી ૧૨ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવી ચુક્યા હતા. જ્યારે, ત્રણ દર્દીઓના રિપોર્ટ હજુ સુધી આવ્યા નથી. ડેથ ઓડિટ કમિટી દ્વારા આજે વધુ એક મોત જાહેર કરવામાં આવતા વડોદરાનો કુલ મૃત્યુઆંક ૧૩૭ પર પહોંચ્યો છે. વડોદરા શહેરમાં ગઈકાલ સુધી કુલ ડિસ્ચાર્જનો આંકડો ૫૮૫૩ પર હતો. આજે વધુ ૧૦૦ દર્દીઓ કોરોનામુક્ત થતા તેમને રજા આપવામાં આવી હતી. જેની સાથે કુલ ડિસ્ચાર્જનો આંકડો ૫૯૫૩ પર પહોંચ્યો છે. હાલમાં શહેરમાં વિવિધ જગ્યાઓએ કુલ ૧૬૦૮ દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. જે પૈકી ૧૩૯૪ દર્દીઓની હાલત સ્થિર, ૧૬૦ દર્દીઓ ઓક્સિજન પર અને ૫૪ દર્દીઓ વેન્ટિલેટર પર હોવાનું જાણવા મળ્યું છે.  

જીએસએફસીમાં વધુ ૫ પોઝિટિવ કેસો

જીએસએફસીમાં અત્યારસુધી કુલ ૭૯ કર્મચારીઓ કોરોના સંક્રમિત થઇ ચુક્યા હતા. જોકે, આજે વધુ ૫ કર્મચારીઓ સંક્રમિત થતા માત્ર જીએસએફસીમાં કુલ સંક્રમિત થયેલા કર્મચારીઓનો આંકડો ૮૪ પર પહોંચ્યો છે. આજે નોંધાયેલા પોઝિટિવ કેસોમાં એમોનિયા પ્લાન્ટ મા ફરજ બજાવતા ૨૫ વર્ષીય અને ૫૬ વર્ષીય કર્મચારીઓ, ફાયર ડિપાર્ટમેન્ટ મા ફરજ બજાવતા ૩૦ વર્ષીય યુવા કર્મચારી અને કેપ્રોલેકટમ પ્લાન્ટમા ફરજ બજાવતા ૫૭ વર્ષીય કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

નવા મ્યુનિ.કમિશ્નર અને ઓએસડી ડૉ. રાવે બેઠકો યોજી

ખાસ ફરજ પરના અધિકારી ડો.વિનોદ રાવે આજે પ્રથમ ગોત્રી હોસ્પિટલની અને તે પછી સયાજી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે ગોત્રી હોસ્પિટલ ખાતે સારવાર સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું અને બંને જગ્યાઓએ ખાસ કરીને કોવિડના સંદર્ભમાં અધિકારીઓ અને તબીબો સાથે બેઠક યોજીને વિગતવાર સમીક્ષા કરી હતી.આ દરમિયાન વડોદરાના નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર પી. સ્વરૂપ એમની સાથે રહ્યાં હતા. ત્યારબાદ પાલિકા ખાતે વિભાગીય શહેરી આરોગ્ય અઘિકારીઓ સાથે બેઠક યોજી હતી અને મ્યુનિસિપલ કમિશનરને સાથે રાખીને આરોગ્ય સેવાઓની વિગતવાર સમીક્ષા કરી હતી.

૧૦ દિવસમાં કોરોનાના ૧૨૭૦ પોઝિટિવ કેસ નોંધાયા

વડોદરા. અનલૉક બાદ કોરોનાના ટેસ્ટિંગની સંખ્યા વધવાની સાથે પોઝિટિવ કેસોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ઓગસ્ટ મહિનામાં તા.૪થી ઓગસ્ટથી રોજ ૧૦૦થી વધુ પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે છેલ્લા ૧૦ દિવસમાં કોરોનાના ૧૨૭૦ પોઝિટિવ કેસ નોંધાયા હતા. આમ, અત્યાર સુધી કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા ૭૬૯૮ થઈ છે.