અમદાવાદ, ઐતિહાસિક ધરોહર ધરાવતા અમદાવાદ શહેર મે રાજ્યના તમામ શહેરો પૈકી વૈશ્વિક વિરાસતમાં સ્થાન મળતા શાસકો હરખઘેલા બની ગયા હતા પરંતુ તેમને ખબર નથી કે કેટલી મોટી જવાબદારી તેમના માથે આવી છે આ ગરિમાને જાળવી રાખવામાં શાસકોની ભારોભાર બેદરકારીથી આજે શહેરની વૈશ્વિક વિરાસત જાેખમમાં આવી ગઈ છે. હાલ હેરિટેજ સપ્તાહની ઉજવણી ઉજવણી કરાઇ રહી છે ત્યારે અનેક અલભ્ય ઇમારતો જાળવણી માંગી રહ્યા છે. વૈશ્વિક હેરીટેજ સિટીનો દરજજાે પ્રાપ્ત કરનારા અમદાવાદ શહેરમાં ઐતિહાસિક ધરોહર નાશ થવાના આરે છે. જમાલપુરના સપ્તઋષિ આરાની બિસ્માર હાલત છે. આ આરાને હેરીટેજ સ્થાનમાં સમાવવાની તેમજ સ્મશાનની બાજુમાં તોડી પાડવામાં આવેલા મંદિરને ફરી બનાવવા માંગણી કરવામાં આવી છે. વિશ્વ હિંદુ પરિષદના પ્રવકતા દક્ષેશ મહેતાએ પ્રતિક્રીયા આપતા કહ્યુ, અમદાવાદના ઈતિહાસની સાક્ષી એવી ધરોહરોમાં સપ્તઋષિના આરાનો પણ સમાવેશ થાય છે. આ સ્થળ ખુબ પવિત્ર સ્થળ છે. આમ છતાં તંત્ર દ્વારા એની બિલકુલ દરકાર લેવામાં આવતી નથી. સાબરમતી નદીના તટ ઉપર આવેલા આ સ્થાને સાત ઋષિઓએ તપ કર્યુ હતું. અહીં ભગવાન શંકરની સ્થાપના કરવામાં આવી હતી. આ સ્થાન ઉપર ભગવાન કૃષ્ણ અને અન્ય દેવોના મંદિર પણ આવેલા છે. આ સ્થાન હિન્દુઓની પવિત્ર આસ્થા સાથે જાેડાયેલુ છે. સ્મશાન પણ આવેલુ છે આ કારણથી આ સ્થાન સપ્તઋષિ સ્મશાન ઘાટના નામથી પણ જાેડાયેલું છે. આ સ્થળે પવિત્ર વાર-તહેવારના સમયે સ્નાન કરી પવિત્ર થવાની પરંપરા પણ વર્ષોથી ચાલતી આવે છે. આ સ્થાનને હેરીટેજમાં સમાવવાની વિશ્વ હિંદુ પરિષદ દ્વારા માંગણી કરવામાં આવી છે. જે હજુ સુધી સંતોષાઈ નથી. આ સ્થાન આસપાસ ગેરકાયદેસર બાંધકામ થઈ ગયા છે. અસામાજિક તત્વો તેના ગેરકાયદેસર ભાડા વસૂલ કરી રહ્યા છે. અનેક પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ ધમધમી રહી છે. આમ છતાં તંત્ર તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ સ્થાનને તાકીદે ખાલી કરાવી સપ્તઋષિના આરાનો વિકાસ કરવામાં આવે એવી અમારી માંગણી છે.