વડોદરા,તા.૨  

વડોદરા મહાનગર પાલિકા દ્વારા જે પ્રોજેક્ટમાં બે હજાર કરોડનો ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો થયા છે. મહારાજા સર સયાજીરાવ ગાયકવાડના સમયમાં ભિક્ષુકોને માટે ફાળવેલી નવ લાખ ચોરસ ફૂટ જેટલી જગ્યા પાલિકાએ વૈકલ્પિક ફાળવણી વિના ત્રણ વર્ષ અગાઉ બિલ્ડરને પીપીપી ધોરણે પાણીના મુલે પધરાવી દીધી હતી.ત્યારે આ જગ્યા ખાલી કરાવતી વખતે ત્યાંના મકાન ધારકોને માત્ર દોઢ વર્ષમાં મકાન આપવાની બાંહેધરી આપવામાં આવી હતી.તેમજ જ્યા સુધી મકાન આપવામાં આવે નહિ,ત્યાં સુધી તેઓને પ્રતિમાસ બે હજાર રૂપિયા ભાડું ચુકવવાની ખાતરી પણ અપાઈ હતી.આ જગ્યા બિલ્ડરને પધરાવવામાં આવી તે વખતે જે તે મિલકત ધારકોને ફાળવણી પત્રો પણ કોર્પોરેશન અને બિલ્ડર દ્વારા આપવામાં આવ્યા હતા. પરંતુ તેમ છતાં છેલ્લા છ-છ માસથી સંજયનગરના રહીશોને મકાન ભાડા અપાય નથી. આ બાબતે બિલ્ડરના ખોળામાં બેસી ગયેલા પાલિકાના શાસકો અને તંત્રએ કોઈ કાર્યવાહી ન કરતા આખરે પાણી માથા પરથી વહી જતું જણાતા મરણિયા બનેલા સંજયનગરના મકાન વિહીન રહીશો દ્વારા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી લડત આપવા સજ્જ બન્યા છે.તેઓએ વધુ એકવાર તંત્ર અને બિલ્ડર સમક્ષ નિયત કરેલ ભાડાની રકમ ચૂકવવા પુનઃ માગ કરી છે.આ આંદોલન આજે એક સપ્તાહ પછીથી પણ દિવસે દિવસે વધુને વધુ જોર પકડતું જાય છે. તેઓને છ છ માસથી ભાડાની રકમ ન મળતા આખરે સંજયનગરની જગ્યા પાર આંદોલન ચલાવીને તેઓને પોતાની જગ્યા પરત કરવા પણ માગ કરાઈ છે.જેથી તેઓ ત્યાં કાચું પાકું મકાન બાંધીને રહી શકે. આમ પાલિકા બિલ્ડર પાસે મકાન ન બનાવી શકે તો મૂળ જગ્યા પરત કરવાની માગણી બુલંદ બની છે. હવે લડતના ભાગરૂપે સંજયનગરના રહીશો પ્રભુ સોલંકીની આગેવાની હેઠળ ફાળવણી પત્રો જમા કરીને મુખ્યમંત્રીને મળવાનું આયોજન કરી રહ્યા છે.ત્યારબાદ તેઓના જવાબની પૂરતી રાહ જોયા બાદ નિવેડો આવે નહિ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લઈને આ પ્રધાનમંત્રી આવાસ યોજનાના કૌભાંડથી વાકેફ કરવાનું સુનિશ્ચિત કર્યું છે. આ માટે સૌએ મન મનાવી લીધું છે.

“વચનેશું કિમ દરિદ્રતા”ઃ મુખ્યમંત્રીએ વર્ષ અગાઉ ૧૫ દિવસમાં કામ ચાલુ કરવાની આપેલી ખાત્રીનું સુરસુરિયું !

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ દોઢ વર્ષ અગાઉ સંજયનગરના આવાસોની કામગીરી એલોટમેન્ટ સમય સુધી પણ હાથ ધરવામાં આવી નથી.એ બાબતની રજૂઆત કરવામાં આવી હતી.ત્યારે એક વર્ષ અગાઉ મુખ્યમંત્રીએ માત્ર પંદર દિવસમાં જ આ કામગીરી ચાલુ કરવામાં આવશે.એવી બાંહેધરી આપી હતી.પરંતુ “વચનેશું કિમ દરિદ્રતા” મુજબ મુખ્યમંત્રીએ વચન આપ્યાને એક વર્ષ ઉપરાંતનો સમય થઇ ગયો છે.તેમ છતાં જે તે સમય જેવી જ સ્થિતિ આજની તારીખે જોવા મળે છે.એમ સંજયનગરના રહીશોએ જણાવ્યું હતું. આ બાબતે ઓનલાઇન સ્મૃતિ પત્ર લખવા છતાં એનો આજ સુધી જવાબ આવ્યો નથી.છેલ્લા ૨૦-૨૫ વર્ષથી આ વિસ્તારમાં કાઉન્સિલર હોય કે ધારાસભ્ય તમામ બેઠકો પાર ભાજપનું જ લાંબા ગાળાથી પ્રભુત્વ રહેવા પામ્યું છે.તેમ છતાં હંમેશા તેઓની પડખે રહેનાર સંજયનગરના રહીશોના પ્રશ્ને શાસકો દ્વારા ધ્યાન અપાતું નથી એ બાબતનું દુઃખ હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.