05, માર્ચ 2022
વડોદરા, તા. ૪
કરજણ તાલુકાના સણિયાદ ગામે બે દિવસ અગાઉ પોતાની પાલતુ ઘોડી પાસે ગામના રહીશનો એક પાલતુ ઘોડો આવી જતા ઘોડીના માલિકે ક્રુરતાપુર્વક લાકડીના ફટકા મારી ધોડાની હત્યા કરી હતી અને ત્યારબાદ ઘોડાના માલિકને પણ માર મારી તેને તેની જાતિ વિરુધ્ધ અપમાનજનક શબ્દો બોલી ધમકી આપતા ઘોડાના માલિકે આ બનાવની કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
કરજણના સણિયાદ ગામે જુનુ ફળિયામાં રહેતા રતિલાલ મંગળભાઈ વસાવાએ ત્રણ વર્ષ પહેલા શીનોરના સઈદ દિવાન પાસેથી ૨૦ હજારમાં એક ઘોડો ખરીદયો હતો જેની ઉંમર હાલમાં પાંચ વર્ષની હતી અને તે ઘોડાની સારસંભાળ રાખતા હતા. ગત ૨જી તારીખના સવારે તેમનો ઘોડો કોઈક કારણસર ચમકીને ઘરઆંગણેથી દોરડુ તોડીને ભાગ્યો હતો. રતિલાલ પણ ઘોડાના પકડવા તેની પાછળ દોડ્યા હતા. આ દરમિયાન ઘોડો નવીનગરીમાં રહેતા ઈસ્માઈલશાં એહમદશા દિવાન જે પણ ઘોડી રાખે છે તેની પાસે જતા જ ઈસ્માઈલશાએ ઘોડાને લાકડીના આડેધડ ફટકા માર્યા હતા. આ દરમિયાન ત્યાં આવી પહોંચેલા રતિલાલે તેમના ઘોડાને કેમ મારે છે ? તેમ પુછતા ઈસ્માલશાએ અપશબ્દો બોલીને જણાવ્યું હતું કે તારો ઘોડો અવારનવાર મારી ઘરે આવે છે તો તું તેને બાંધીને કેમ નથી રાખતો ? તારા ઘોડાને બાંધીને રાખ નહી તો તેને કોઈક વાહનમાં ચઢાવીને બહાર મોકલી દઈશ. ત્યારબાદ તેણે રતિલાલ પર પણ હુમલો કર્યો હતો અને તેમને જાતિ વિરુધ્ધ અપમાનજનક શબ્દો કહ્યા હતા.
હુમલા અને અપમાન બાદ રતિલાલ તેમનો ઘોડો લઈને પરત જતા હતા તે વખતે રસ્તામાં જ ઘોડો ચક્કર ખાઈને પડી ગયો હતો અને મોંઢામાંથી લોહી નીંગળતી હાલતમાં તેનું ઘટનાસ્થળે મોત થયું હતું. આ અંગે રતિલાલે ફોન પર ઈસ્માઈલશાં અહેમદશાં દિવાનને જાણ કરતા તેણે તારે જ્યાં જવું હોય ત્યાં જા અને જે કરવું હોય તે કર, તારા ઘોડાના પૈસા નહી મળે અને જાે તું મારા વિરુધ્ધ ફરિયાદ કરીશ તો તને જીવતો નહી છોડું તેવી ધમકી આપી હતી. આ બનાવની રતિલાલે માથાભારે ઈસ્માઈલશા વિરુધ્ધ કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પશુઓ પ્રત્યે ક્રુરતા અધિનિયમ, એટ્રોસિટી એક્ટ, હુમલો અને ધમકીનો ગુનો નોંધી તેની ધર૫કડ કરી હતી.