ભાવનગર,તા.૭

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં આવેલ દરિયામાં આશરે સાડા છ નોટિકલ માઈલ દૂર ઐતિહાસિક ટાપુ આવેલો છે આ ટાપુ પીરમબેટ તરીકે ઓળખાય છે આજની યુવા પેઢી આ ટાપુથી વાકેફ નથી પરંતુ જયારે ભાવનગર કે ઐતિહાસિક એવાં “વળા” બંદર જે આજનું વલ્લભીપુર છે એનું અસ્તિત્વ પણ નહોતું એ સમયે પીરમબેટ રજવાડું હતું. આજે સદીઓના વહાણા વાયા અને ગોહિલવાડનો જાજરમાન ઈતિહાસ સરકારી ઉદાસીનતા સાથે કાયદાકીય આંટીઘૂંટીને પગલે ગુમનામીના ગર્તામાં સુષુપ્ત બન્યો છે. સરકાર દ્વારા આ ટાપુના વિકાસની શક્યતાઓ તપાસવા માટે સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જાે અહીં વિકાસ કરવામાં આવે તો લોકોને અહીં વિદેશી આઈલેન્ડ જેવી જ સુવિધાઓ મળી શકે તેમ છે.

ઈતિહાસકારોના મત મુજબ ૧૫મી સદીના ઉતરાર્ધે ગોહિલવાડના રાજવંશીઓએ મુસ્લિમો પર આક્રમણ કરી ખંભાતની ખાડીમાં આવેલ પીરમબેટ ટાપુ પર કબ્જાે કર્યો હતો અને સમયાંતરે પોતાની રાજધાની સ્થાપી હતી.

એક સમયે સમ્રાટ અકબર બાદશાહ સામે જંગ લડેલ વીર સૂરવીર મોખડાજી ગોહિલે આ પીરમબેટ પર રાજ કર્યું હતું. દિલ્હી સલતનતના જહાજાે અખાતી દેશો-પ્રાંતોમાંથી દાણ (કર) ઉઘરાવી પરત ફરી રહ્યાં હતાં તે વેળાએ મોખડાજી ગોહિલે આ જહાજાેને અટકાવી પોતાની જળસીમામાંથી પસાર થવા દાણની માંગ કરી હતી, પરંતુ અકબરના સૈનિકોએ દાણ દેવાનો ઈન્કાર કરતાં મોખડાજી ગોહિલે સોના-ચાંદી હીરા-મોતી સહિત કિંમતી ખજાના ભરેલા વહાણ ફૂંકી માર્યા અને અહીં જ જળ સમાધિ અપાવી હોવાનો ઈતિહાસ આજે પણ મોજુદ છે, આ વાતથી ગીન્નાયેલ અકબરે સૈન્ય સાથે પીરમબેટ પર આક્રમણ કર્યું દિવસો સુધી યુધ્ધ ચાલ્યું અને છળકપટથી મોખડાજી ગોહિલને મારી નાખવાનો કારસો ઘડાયો યોજના મુજબ મોખડાજી લડત સમયે દગાથી વાર કરી તેમનું મસ્તક ધડથી અલગ કરી દેવામાં આવ્યું પરંતુ પીરમબેટથી દૂર સુધી મસ્તક વિનાના ધડે અકબરની સેનાને હંફાવી પરાસ્ત કરી હોવાની લોકવાયકા છે.

૩ કિ.મી. લાંબો અને ૧ કિ.મી. પહોળો આ ટાપુ દરિયાકિનારેથી સમુદ્રમાં ૧૦ કિ.મી. અંદર છે. યાંત્રિક હોડીની મદદથી લગભગ એક ક્લાકની મુસાફરી પછી આ ટાપુ પર પહોચી શકાય છે. બેટ પર એક દીવાદાંડી પણ છે. અંગ્રેજાેએ વહાણવટા પર નજર રાખવા ૨૪ મીટર ઉંચી દીવાડાંડી બનાવી હતી. આ ટાપુ પર માનવ વસવાટ નથી. ૫૦થી વધુ પ્રકારના જળચર સહિતના પક્ષીઓ વસવાટ કરતા હોવાનો અંદાજ છે.પીરમબેટ પ્રવાસીઓ માટે સુંદર સ્થાન છે. અહીંયા દરિયાના પટમાંથી બનેલા ખડકોના પથ્થરોની કોતરણી જાણે આબેહૂબ પ્રજાતિઓ જેવી ખૂબજ સુંદર જાેવા મળે છે, એ પથ્થરો જાેઈને તમે પણ કહેશો કે વાહ....શુ કારીગરી છે, આ તો કુદરતની કરામત છે.