સુરેન્દ્રનગર, સરકાર દ્વારા ગામો ગામ તળાવ ઊંડા ઉતારવા સહિતની કામગીરી પાછળ લાખો રૂપિયા વાપરવામાં આવી રહ્યા છે. ત્યારે સુજાનગઢ ગામે આવેલા તળાવ છેલ્લા ૨ વર્ષથી તૂટેલું હોવા છતાં તંત્ર દ્વારા આજ સુધી કોઇ જ કાર્યવાહી ન કરાતા આગામી ચોમાસા પહેલા યોગ્ય કરવા સ્થાનિકો માગ કરી રહ્યા છે.મૂળી તાલુકામાં સુજાનગઢ ગામનાં લોકોને પીયત માટે પાણી મળી રહે તે માટે પાંડવરા રોડ પર મોટું તળાવ બનાવાયું છે. અને આ તળાવ ગત ચોમાસમાં ભારે વરસાદનાં કારણે તૂટી જતાં ભારે તારાજી સર્જી હતી. ત્યારથી તે તળાવ તૂટેલું છે. હાલમાં સરકાર દ્વારા ગામો ગામ સુજલામ સુફલામ યોજના થકી તળાવ ઊંડા ઉતારવા સહિતની કામગીરી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરાઈ રહ્યો છે. પરંતુ સુજાનગઢ ગામે છેલ્લાં ૨ વર્ષથી તળાવ તૂટી ગયું હોવા છતાં અને સરપંચ દ્વારા સિંચાઇ વિભાગમાં લેખિત જાણ કરવા છતાં કોઇ જ કાર્યવાહી કરાઈ નથી. ત્યારે જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરાય તેવી સ્થાનિકો ખેડૂતો માગ કરી રહ્યા છે. સુજાનગઢ સરપંચ એમ.બી. ઉદેશાએ જણાવ્યું કે આ તળાવમાંથી ખેડૂતો પિયત માટે ઉપયોગ કરી રહ્યા છે. જાે વરસાદ પહેલાં યોગ્ય નહી કરાય તો દિગસર સહિતનાં નીચાણવાળા ગામોને પાણીનું જાેખમ રહેલું છે. ખેડૂતો પિયત માટે પાણી નહીં મેળવી શકે. તંત્ર દ્વારા કાર્યવાહી કરાય તેવી અમારી માગ છે.