વડોદરા, તા.૯ 

રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં તલાટી કમ મંત્રીને સોગંદનામા કરવાની આપેલ સત્તાનો વડોદરા વકીલમંડળે વિરોધ કરી આજે કોર્ટ સંકુલના મુખ્ય ગેટ પાસે પરિપત્રની હોળી કરી દેખાવો યોજ્યા હતા.

વડોદરા વકીલમંડળના પ્રમુખ હસમુખ ભટ્ટે જણાવ્યું હતું કે, સરકારની વકીલો તેમજ નોટરીઓને અન્યાય કરવાની નીતિનો આજે વકીલમંડળે વિરોધ કર્યો હતો. રાજ્ય સરકારે તલાટીઓને ગ્રામ્ય વિસ્તારના લોકોને રર પ્રમાણ સર્ટિફિકેટ આપવાની સત્તા કાયદાની પરિભાષાની વિરુદ્ધ ઓથ હેઠળ સોગંદનામા કરવાની જે સત્તા આપી છે તે પરિપત્ર પાછો ખેંચવાની માગ કરી કોર્ટ સંકુલના ગેટ પાસે પરિપત્રની હોળી કરી હતી.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, એક તલાટીને ત્રણ ગામની પંચાયતનો વહીવટ છે, જે ગ્રામ્ય વિસ્તારના લોકોને મોટો અન્યાય તેમજ ભ્રષ્ટાચારનું પ્રમાણ પણ વધશે. આ ઉપરાંત તલાટીઓ નિયમિતપણે ગ્રામ્ય કક્ષાએ હાજર રહેતા નથી, જેથી લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, માટે આ પરિપત્ર પાછો ખેંચવાની માગ કરી છે. આ પરિપત્ર કાયદાની પરિભાષાની વિરુદ્ધ બહાર પાડયો હોવાનું જણાવી સોમવારે કોર્ટ સંકુલના ગેટની બહાર પૂતળાદહનનો કાર્યક્રમ યોજાશે તેમ

જણાવ્યું હતું.