વડોદરા, તા.૧૦  

વડોદરા શહેરમાં ગતરાત્રીના સુમારે ખાબકેલા નજીવા બે ઇંચ જેટલા વરસાદે તંત્રની ક્ષમતા અને આયોજનોનું પાણી માપી લીધું છે.સમગ્ર શહેરમાં માત્ર કાગળ પર જ પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવી હોય એની ચાડી મામૂલી વરસાદે ખાઈને તંત્રને ખુલ્લું પાડી દીધું છે.સમગ્ર શહેરમાં ૯૦ ટકા ઉપરાંત પ્રિ મોન્સૂન કામગીરી લાખો-કરોડોના ખર્ચે પૂર્ણ કરાયાના દાવાઓ પોકળ સાબિત થઇ ગયા છે. ત્યારે પ્રત્યેક શહેરીજનના મુખેથી ભ્રષ્ટાચારીઓ શરમ કરો..શરમ કરો.... જેવા ઉદગારો નીકળતા જોવા મળ્યા હતા. જયારે તેઓના ઘર અને ઓફિસ કે કચેરીના વિસ્તારમાં પાણી ભરાયેલા હતા. આને કારણે બિસમાર બનેલા માર્ગોને કારણે લાખો શહેરીજનો અને હજારો વાહન ચાલકો વિવિધ વિસ્તારોમાં અટવાઈ પડયા હતા. જેને લઈને ભ્રષ્ટાચારીઓની સાઠગાંઠની પોલંપોલની બંધ મુઠ્ઠી ખુલી ગઈ હતી.પરંતુ આ બેફામ ફાલેલા ભ્રષ્ટાચારને લઈને વડોદરાવાસીઓ શહેરના સમગ્ર તંત્રના પાપે બાનમાં મુકાઈ ગયા હોય એવો અહેસાસ અનુભવતા હતા. જેના ફળસ્વરૂપ શાસકો, તંત્રના પાપે તમામ વિસ્તારો મામૂલી વરસાદમાં જળબમ્બાકાર બની ગયા હતા.શહેરના પોશ ગણાતા પશ્ચિમ વિસ્તારના ઓલ્ડ પાદરા રોડ,દક્ષિણના માંજલપુર જીઆઇડીસી વડસર રોડ,વાઘોડિયા રોડ,કલાદર્શન ચાર રસ્તા,વારસિયા પોલીસ મથકની પાસેનો વિસ્તાર,મુજમહુડાથી અકોટાનો માર્ગ,લાલબાગ બ્રિજ નીચે,પરશુરામ ભથ્થાંએ સયાજીગંજ ગરનાળા પાસે સહિતના વિવિધ સ્થળોએ પાણી ભરાવા ઉપરાંત ભુવા પાડવાના અને માર્ગોનું મોટા પ્રમાણમાં ધોવાણ થવાની ઘટનાઓને લઈને વાહન ચાલકો હેરાન પરેશાન થઇ ગયા હતા. કેટલેક ઠેકાણે તો કાર,ટેમ્પા જેવા વાહનો આવા સ્થળોએ ફસાઈ જવાની ઘટનાઓ ઘટી હતી.જેને લઈને તંત્ર દોડતું થઇ ગયું હતું. તેમ છતાં પાલિકાના શાસક પક્ષ અને વિપક્ષના સભ્યો સૂચક મૌન દાખવીને આંખ આડા કાન કરી રહયા છે.ચૂંટણીના વર્ષમાં પણ નેતાઓનું મૌન ઘણું બધું કહી જાય છે એમ પ્રજામાં ચર્ચાતું હતું. જેમાં પ્રજાની નજર સામે તરવરતો ભ્રષ્ટાચાર છતાં પ્રજાના પૈસે તાગડધિન્ના કરતા નગરસેવકો અને તગડા પગારદાર અધિકારીઓનું પણ સૂચક મૌન સૌની મીલીભગત હોવાની વાતનો સૌથી મોટો પુરાવો હોવાનું શહેરીજનોમાં ચર્ચાઈ રહ્યું છે. આ નજીવા વરસાદને લઈને શહેરની જો આવી સ્થિતિ જોવા મળતી હોય તો વર્ષ ૨૦૧૯ની માફક સાંબેલાધાર વરસાદ પડે તો શું સ્થિતિ સર્જાશે એની કલ્પના માત્રથી શહેરીજનો ફફડી રહ્યા છે.