વડોદરા : ઉત્તર તરફથી ફૂંકાતા ઠંડા પવન અને લઘુતમ તાપમાનમાં વધુ ઘટાડો થતાં શહેરમાં ઠંડીનો ચમકારો વધ્યો હતો. આજે લઘુતમ તાપમાન ૧૮ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું હતું. ઠંડીના ચમકારા સાથે બાગ-બગીચાઓમાં મોર્નિંગ વોકર્સની સંંખ્યા વધી છે. 

શહેરમાં છેલ્લાં કેટલાંક દિવસથી ઠંડીએ જમાવટ કરવાની શરૂઆત કરી છે. જાે કે, હજુ ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં જાેરદાર હિમવર્ષા શરૂ થઈ નથી. પરંતુ ઠંડા પવન ફૂંકાતાં ઉત્તર ભારતમાં ગુલાબી ઠંડીએ જમાવટ કરી છે. જાે કે, મધ્ય ગુજરાતમાં પણ દિવાળી પર્વની આસપાસ ગુલાબી ઠંડી જમાવટ કરે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છેે. પરંતુ છેલ્લાં કેટલાંક દિવસથી વહેલી સવારે અને મોડી રાત્રે હળવી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે, જેના પગલે બાગ-બગીચાઓમાં મોર્નિંગ વોકર્સની સંખ્યા વધી છેે. હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઉત્તર તરફથી ઠંડો પવન ફૂંકાવાની સાથે લઘુતમ તાપમાનમાં પણ ઘટાડો થતાં ઠંડીનો ચમકારો વધ્યો છે. હળવી ઠંડી અનુભવાતાં ગરમ વસ્ત્રોના બજારમાં ભીડ જાેવા મળી રહી છે. આજે મહત્તમ તાપમાન ૩૩.૬ ડિગ્રી સેન્ટિગ્રેડ અને લઘુતમ તાપમાન ૧૮ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું હતું. સવારે હવામાં ભેજનું પ્રમાણ ૭૩ ટકા જે સાંજે ૩૬ ટકા નોંધાયું હતું, જ્યારે હવાનું દબાણ ૧૦૧૪ મિલિબાર્સ અને ઉત્તર-પૂર્વ તરફ ફૂંકાયેલા પવનની સરેરાશ ગતિ પ્રતિકલાકના ૮ કિ.મી. નોંધાયું હતું. આમ હવે ઠંડી ધીમે-ધીમે જમાવટ કરી રહી છે.