દિલ્હી-

સોમવારથી ઈસ્લામ ધર્મના બિરાદરોનો પવિત્ર રમઝાન માસ શરૂ થયો. ચંદ્રરાશિના નવા આવર્તમાં પહેલીવાર મક્કા ખાતે ચાંદ દેખાવાની સાથે આ પવિત્ર માસનો આરંભ થાય છે. આત્મસંયમ અને પવિત્રતાનું પ્રતિક મનાતા આ મહિનાના બધા જ દિવસોએ મુસ્લિમ બિરાદરો રોજા રાખે છે કે ઉપવાસ તો કરે જ છે આમ વિશ્વભરમાં તેમના દ્વારા કરાતા ઉપવાસના દિવસોની સંખ્યા ભલે સરખી રહેતી હોય પરંતુ, દિવસના કેટલા કલાક સુધી રોજા રહે એ સમય કે કલાકો દુનિયાભરના જુદા-જુદા સ્થળે બદલાય છે, અને આ વાતની સામાન્ય માણસને ભાગ્યે જ ખબર હોય છે.

મુસ્લિમો દિવસના કે સુર્યની પ્રકાશાવધિના સમય દરમિયાન ઉપવાસ રાખતા હોવાને કારણે, ખાસ કરીને પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ તરફ કે નજીક રહેનારા મુસ્લિમોએ લાંબો સમય રોજા રાખવા પડે છે. તેની સરખામણીએ શિયાળામાં રોજા રાખવાના આવતા હોય એવા દક્ષિણ ગોળાર્ધમાં કે પછી વિષુવવૃત્તની નજીક રહેનારા મુસ્લિમોએ ટૂંકી સમયાવધિ માટે રોજા રાખવાના થાય છે. આખી વાતને ટૂંકમાં સમજવી હોય તો એમ સમજાય કે, દુનિયાભરના જુદા-જુદા વિસ્તારોમાં સૂર્ય જૂદી જુદી સમયાવધિ માટે ચમકતો હોવાને પગલે જુદા-જુદા વિસ્તારના મુસ્લિમોએ વત્તા-ઓછા કલાકો માટે રોજા પાળવાના થાય છે. દાખલા તરીકે, મેલબોર્નમાં મુસ્લિમોએ 12 કલાક 8 મિનિટ સુધી રોજા રાખવાના થાય છે જ્યારે તેમની સરખામણીએ નોર્વેના ઓસ્લો ખાતેના મુસ્લિમ બિરાદરોએ દિવસના 18 કલાક 10 મિનિટ સુધી રોજાનું તપ કરવું પડે છે. રમજાન માસ કે જેનો આધાર ચંદ્રના કેલેન્ડર પર આધારીત હોય છે, તેને પગલે આવા ફેરફારો હોય છે. દુનિયાના કેટલાક વિસ્તારોમાં મુસ્લિમોએ રાખવાના રોજાના કલાકની કેટલીક રસપ્રદ માહિતી અહીં આપી છેઃ

ઓસ્લો, નોર્વે- 18 કલાક, 10 મિનિટ

બર્લિન- 17 કલાક, 10 મિનિટ

લંડન- 17 કલાક, 3 મિનિટ

પેરિસ- 15 કલાક, 4 મિનિટ

ન્યુ યોર્ક- 15 કલાક, 12 મિનિટ

મક્કા- 14 કલાક, 11 મિનિટ

ક્વાલાલુમ્પુર- 13 કલાક, 32 મિનિટ

મેલબોર્ન- 12 કલાક, 8 મિનિટ