જૂનાગઢ, છેલ્લા બે દિવસથી ગિરનારના ભૈરવજપનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે, જેમાં એક વ્યક્તિ રમતાં રમતાં ભૈરવજપના સીધા ચઢાણને ચડી જાય છે અને એટલી જ સરળતાથી ઊતરી પણ જાય છે એવું વીડિયોમાં જાેઈ શકાય છે. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોને કારણે આ યુવાન ‘દેશી સ્પાઇડરમેન’ તરીકે જાણીતો બન્યો છે. અંદાજે ૪ મિનિટમાં જ આ યુવાન ભૈરવજપ સર કરીને ફરીથી નીચે ઊતરી જાય છે.દર મહિને ત્રણથી ચાર વખત જાય છે આ વીડિયોમાં જે વ્યક્તિ દેખાય છે તેમનું નામ છે પ્રેમ કાછડિયા. જૂનાગઢ જિલ્લાના વડાલમાં રહેતા પ્રેમભાઈએ ધોરણ ૯ સુધી અભ્યાસ કર્યો છે અને હાલ ગિરનાર પર આવેલા સેવાદાસ બાપુના આશ્રમમાં સેવા આપી રહ્યા છે. પ્રેમભાઈ છેલ્લાં ૨૦ વર્ષથી ભૈરવજપ પર જાય છે. દર મહિને ત્રણથી ચાર વખત તેઓ આ રીતે સીધું ચઢાણ ચડી ભૈરવ દાદાના ધૂપ-દીવા અને સિંદૂર ચડાવવા માટે ભૈરવજપ પર જાય છે.પ્રેમભાઈ ગિરનાર પર આવેલા સેવાદાસ આશ્રમમાં ઇલેક્ટ્રિશિયન તરીકે સેવા આપે છે. માત્ર સેવાદાસ બાપુના આશ્રમે જ નહીં, ગિરનાર પર આવેલા કોઈપણ આશ્રમમાં લાઇટ જાય તો પ્રેમભાઈ જ એને ફ્રીમાં રિપેર કરી આપે છે. મોટે ભાગે તેઓ સેવાદાસ બાપુના આશ્રમમાં જ રાત્રિ રોકાણ કરતા હોય છે. માત્ર આશ્રમ જ નહીં, અન્ય કોઈ જગ્યાએ પણ ગિરનારમાં લાઇટ જાય તો પ્રેમભાઈ એને કોઈપણ ચાર્જ લીધા વિના રિપેર કરી આપે છે.