વડોદરા, તા. ૨૬

લૂંટ, હુમલા સહિતના વિવિધ ગુનામાં સંડોવાયેલા નામચીન આરોપી અનિલ ઉર્ફ અન્ના બિંદને એસઓજીએ ગત રાત્રે તાંદલજા વિસ્તારમાંથી એક રિવોલ્વર અને ત્રણ જીવતા કારતુસો સાથે ઝડપી પાડ્યો હતો. મુળ ઉત્તરપ્રદેશના વારાણસીનો વતની ૨૬ વર્ષીય અનિલ ઉર્ફ અન્ના કૃપાશંકર બિંદ હાલમાં કલાલી ફાટક પાસેની સોનલપાર્ક સોસાયટીમાં રહે છે. અગાઉ લુંટ, મારામારી, એટ્રોસિટી એક્ટ એ હથિયાર રાખવાના છ ગુનામાં સંડોવાયેલા અનિલ પાસે રિવોલ્વર હોવાની જાણ થતાં એસઓજીના પીઆઈ આર.એ.પટેલ સહિતના સ્ટાફે ગત સાંજે તાંદલજા વિસ્તારમાં મુક્તિનગર પાસે લીમડાના ઝાડ નીચે બાઈક પર બેઠેલા અનિલને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી એક રિવોલ્વર અને ત્રણ જીવતા કારતુસ મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી રિવોલ્વર, કારતુસ, બાઈક અને મોબાઈલ સહિત ૫૦,૩૦૦ની મત્તા કબજે કરી હતી. અનિલને દોઢ માસ અગાઉ સાડા નવ હજારમાં રિવોલ્વર વેંચનાર આદિલ ખોખર (ગુજરાત ટ્રેકટર સોસાયટી, તાંદલજા)ને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.