ચરોતરમાં વિધિવત શિયાળો ૪થી૫ નવેમ્બર બાદ શરૂ થવાની સંભાવના
27, ઓક્ટોબર 2020

આણંદ : આણંદ-ખેડા જિલ્લામાં છેલ્લાં બે દિવસમાં રાત્રીના તાપમાનમાં સડસડાટ ૮ ડિગ્રીનો ઘટાડો નોંધાતાં શિયાળાએ રાત્રીના અંધારામાં એન્ટ્રી લઈ લીધી હોવાનો અહેસાસ ચરોતરવાસીઓ કરી રહ્યાં છે.  

ઓક્ટોબરના અંત સુધીમાં બદલાયેલાં વાતાવરણમાં દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ વર્તાઈ રહ્યો છે. દર વર્ષે ઓક્ટોબરમાં ધીમે પગલે શિયાળાની શરૂઆત થતી હતી, પરંતુ આ વખતે ઋતુચક્રની અસર શિયાળા ઉપર પણ જાેવા મળી રહી છે. તાજેતરમાં સર્જાયેલાં લો પ્રેશરને કારણે ભેજ અને ગરમીનું પ્રમાણ વધતાં હજુ હમણાં સુધી ગરમીનો અહેસાસ વર્તાયો હતો. જાેકે, છેલ્લાં બે દિવસથી રાત્રીના તાપમાનમાં ૭થી ૮ ડિગ્રીમાં ઘટાડો નોંધાયો છે. ગ્રામ્ય વિસ્તારમાં રાત્રીના સમયે ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. આ વખતે શિયાળો માર્ચના અંત સુધી લંબાશે અને હાડ થીજાવતી ઠંડી પડશે એવો વર્તારો અગાઉ કરાયો હતો. શિયાળો સારો રહેવાના પગલે ઘઉંના સહિતના પાકને પણ ફાયદો થશે.

હવામાન વિભાગના જણાવ્યાં, અનુસાર ચરોતર પંથકમાં વિધિવત શિયાળો ૪થી ૫ નવેમ્બર બાદ શરૂ થવાની સંભાવના છે. પાંચમી નવેમ્બર પછી દિવસના તાપમાનમાં પણ ઘટાડો નોંધાશે. જાેકે, હાલમાં ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રીનાં ૧૨ વાગ્યા બાદ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો અહેસાસ વર્તાઈ રહ્યો છે. આગામી એક અઠવાડિયામાં દિવસ અને રાત્રી એમ બંનેના તાપમાનમાં ઘટાડો થયાં બાદ ઠંડીનો પ્રારંભ થશે. એવું અનુમાન છે કે, નવેમ્બરના અંત સુધીમાં ચરોતરમાં તાપમાન ૧૨થી ૧૪ ડિગ્રીની આસપાસ રહેશે.

ચરોતરમાં હાડ થીજાવતી ઠંડીની શરૂઆત ડિસેમ્બરથી થશે. ૧૫મી ફેબ્રુઆરી, ૨૦૨૧ સુધી ઠંડીનું જાેર વધશે ત્યારબાદ ઠંડી મધ્યમ રહેશે. આ વખતે ડિસેમ્બરથી જાન્યુઆરી દરમિયાન ત્રણથી ચાર વખત તાપમાન ૭થી ૮ ડિગ્રીની વચ્ચે રહેશે. જાેકે, હાલના સંજાેગોમાં આથી નીચું તાપમાન જાય તેવી સંભાવના નથી, પરંતુ હિમપ્રદેશમાં ભારે બરફવર્ષા થશે તો તાપમાન તેથી નીચું પણ જઈ શકે છે.

શિયાળાની શરૂઆત થતાં ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો દ્વારા શિયાળું પાકની રોપણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઘઉંના વાવેતર માટે ખેડૂતો ખેતર ખેડીને ખાતર નાખી તૈયારીઓ આરંભી રહ્યાં છે. આણંદ કૃષિ હવામાન વિભાગના જણાવ્યાં મુજબ, હાલ મહત્તમ તાપમાન ૩૫.૫ તથા લઘુતમ તાપમાન ૨૨.૫ ડિગ્રી આસપાસ છે. હવામાં ભેજનું પ્રમાણ ૭૫ ટકા અને પવનની ઝડપ ૧.૬ કિમીની નોંધાઈ હતી. સોમવારેે વહેલી સવારે પણ વાદળછાયંુ વાતાવરણ ચરોતરમાં જાેવા મળ્યું હતું. આગામી ત્રણ ચાર દિવસોમાં પણ હળવા વાદળ રહેવાની સંભાવના છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution