રાજકોટ-

સમગ્ર દેશમાં કોરોના મહામારીને પગલે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે હવે સૌરાષ્ટ્રવાસીઓમાં કોરોનાની ચેઈનને તોડવા માટે સ્વયંભૂ લોકડાઉનની અજમાયશ શરુ કરી દેવાઈ છે. પોઝિટિવ કેસની સંખ્યા 1100 ને પાર પહોંચી ગઈ છે. 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં 1164 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લાં 24 કલાકમાં કોરોનાની સારવાર લઈ રહેલા 89 દર્દીઓના મોત નિપજ્યા છે. રાજકોટ બાદ જો ક્યાંય સૌથી વધુ સંક્રમણ હોય તો તે જામનગર અને મોરબી શહેર છે. એકલા રાજકોટ શહેરમાં 405 અને જિલ્લામાં 70 પોઝિટિવ કેસ નોંધાયેલા છે. જામનગર શહેરમાં 189 અને ગ્રામ્યમાં 123 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો મોરબી જિલ્લામાં 54 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો હવે પરિસ્થિતિ સમજી ગયેલા સૌરાષ્ટ્રવાસીઓ ખુદ સ્વંયભૂ લોકડાઉન તરફ વળ્યા છે. તેમનુ કહેવુ છે કે, સરકાર ભરે ન કરે, પણ અમે લોકડાઉન લગાવીશું.મોરબી જીલ્લામાં આવેલા ત્રણમાંથી બે યાર્ડ એક સપ્તાહ સુધી બંધ રહેશે. મોરબી અને વાંકાનેર માર્કેટ યાર્ડ આગામી તા ૧૭ સુધી બંધ રહેશે તેવી જાહેરાત કરાઈ છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને બંન્ને યાર્ડને બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. 

રાજકોટના જેતપુરમાં આજથી 30 એપ્રિલ સુધી શનિ-રવિ સ્વૈચ્છિક લોકડાઉન રાખવાનો ફેંસલો કર્યો છે. આજે વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. જામનગર નજીક ફલા ગામમાં આજથી લોકડાઉન લાગુ કરાયું છે. કોરોના સંક્રમણ પગલે એક સપ્તાહનું લોકડાઉન જાહેર કરાયું છે. ફલા ગામમાં દીવન જરૂરિયાત સિવાયના તમામ વેપાર ધંધા બંધ રહેશે તેવો નિર્ણય લોકો દ્વારા કરવામાં આવ્યો છે.