સુરત શહેરના 8 પોલીસ સ્ટેશન હેઠળના વિવિધ વિસ્તારોમાં અમલી અશાંત ધારાની મુદત વધુ પાંચ વર્ષ લંબાવવામાં આવી 
27, જુલાઈ 2021

ગાંધીનગર-

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાગરિકોને શાંતિ, સલામતિ અને સુરક્ષા પૂરી પાડવાની નૈતિક ફરજ સાથે લોકોની કોઇ ખોટી કનડગત કે હેરાનગતિ, ધાક-ધમકીથી મિલકતો કોઇ તત્વો પચાવી ન પાડે તેવી ચિંતા સાથે સુરત મહાનગરના ૮ પોલીસ મથક હેઠળ વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાનો નિર્ણય અગાઉ કરેલો છે. તદઅનુસાર, સુરત શહેરના અઠવા, સલાબતપૂરા, ચોક બજાર, મહિધરપૂરા, સૈયદપૂરા અને લાલગેટ પોલીસ સ્ટેશનના કેટલાંક વિસ્તારોમાં તા.૧૭ ઓકટોબર-ર૦૧૭થી અને લીંબાયત તથા રાંદેર પોલીસ મથકના કેટલાક વિસ્તારોમાં તા.૧૪ માર્ચ-ર૦ર૦થી અશાંત ધારાની જોગવાઇઓ રાજ્ય સરકારે અમલી બનાવી છે.

 હવે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ૮ પોલીસ મથક હેઠળના જે વિસ્તારોમાં હાલ અશાંત ધારો લાગુ કરવા માં આવ્યો છે તેની પ્રવર્તમાન મુદત તા.૩૦-૭-ર૦ર૧ અને તા.૩૧-૭-ર૦ર૧ થી વધુ પાંચ વર્ષ માટે લંબાવવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ સુરત શહેરના ધારાસભ્યો સર્વ અરવિંદ રાણા, સંગીતાબહેન પાટીલ, પૂર્ણેશભાઇ મોદી, સુરત મહાનગરના સંબંધિત વિસ્તારના મ્યુનિસિપલ કોર્પોરેટરઓ તથા વિવિધ સંસ્થાઓ, સામાજીક આગેવાનોએ કરેલી રજૂઆતનો સાનૂકુલ પ્રતિસાદ આપતાં વિજય રૂપાણીએ અશાંત ધારાની હાલ પ્રવર્તમાન અવધિ તા.૩૦ અને ૩૧ જુલાઇએ પૂર્ણ થાય છે તેને વધુ પાંચ વર્ષ લંબાવવાની સૂચનાઓ આપી છે. આ સંદર્ભનું જાહેરનામું પણ રાજ્ય સરકાર દ્વારા પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, રાજય સરકારના આ નિર્ણયના કારણે આ વિસ્તારોમાં અસામાજિક તત્વો દ્વારા ધાકધમકીથી મિલકતો પડાવી લેવાની પ્રવૃત્તિઓ પર અંકુશ આવશે તથા આવા તત્વોથી પીડિત નાગરિકોને સુખ, શાંતિ અને સલામતીનો અહેસાસ થશે. એટલું જ નહિ, આ વિસ્તારોમાં મિલકતના વેચાણ કરતા અગાઉ કાયદાની જોગવાઇઓ અનુસાર સુરત કલેકટરશ્રીની પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution