વડોદરા, તા. ૯

હાઈવે પર ગત મોડી રાત્રે ટ્રાફિક પોલીસ સાથે બોલાચાલી કરીને ઝપાઝપી કર્યા બાદ પોલીસને ગૃહમંત્રીના પી.એ. હોવાની બોગસ ઓળખ આપીને પોલીસની બદલી કરાવી નાખવાની ધમકી આપનાર યુવક સહિતની ત્રિપુટી પાસે હરણી પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું. પોલીસે ત્રણેય યુવકોના રિમાન્ડની માગણી કરી હતી પરંતું રિમાન્ડ નહી મળતાં મોડી સાંજે ત્રણેય આરોપીઓનો જામીન પર છુટકારો થયો હતો.

ટ્રાફિક શાખાના હેડ કોન્સ્ટેબલ નવીનચંદ્ર મથુરભાઈ ગુરુવારની મોડી રાત્રે ટ્રાફિક બ્રિગેડના ડ્રાઈવર સાથે સ્પિડગન વન મોબાઈલમાં પેટ્રોલીંગમાં હતા તે સમયે તેમણે હાઈવે પર ગોલ્ડનચોકડી પાસેના સર્વિસરોડ પર રસ્તા વચ્ચે ઉભા રહેલા દારૂના નશામાં ચુર યુવકોને સાઈડમાં ઉભા રહેવા ટકોર કરી હતી.

 આ યુવકો પૈકીના દરજીપુરા ગામમાં રહેતા વરુણ નારાયણ પટેલ તેમજ હરણી ગામના આકાશ સુરેશ પટેલ,અને પિનાક વિનેશ પટેલે તેમની પર હુમલો કરી માર માર્યો હતો અને વરુણે હું ગૃહમંત્રીનો પી.એ.છું કાલે તમારી બદલી કરાવી દઈશ તેમ કહી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની નવીનચંદ્રની ફરિયાદના પગલે હરણી પોલીસે મોડી રાત્રે જ ઉક્ત ત્રિપુટીની ધરપકડ કરી હતી.

રાજયમાં નકલી કચેરી, નકલી ટોલનાકું, સીએમઓ અને પીએમઓના નકલી અધિકારી બાદ કેન્દ્રિય મંત્રી અને ધારાસભ્યોના નકલી પી.એ.ની વાતો વચ્ચે વડોદરામાં ગૃહમંત્રીના નકલી પી.એ. ઝડપાયાની જાણ થતાં ઝોન-૪ના ડીસીપી પન્ના મોમાયાએ આ બનાવની તપાસમાં જાેડાયા હતા. આજે તેમના સુપરવિઝન હેઠળ ઉક્ત ત્રણેય આરોપીઓને પોલીસ પર જે સ્થળે હુમલો કર્યો ત્યાં લઈ જવાયા હતા અને તેઓની પાસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું. રિકન્સ્ટ્રકશનની વિગતો મેળવી પોલીસે આરોપીઓને કોર્ટમાં રજુ કરી તેઓના રિમાન્ડની માગણી કરી હતી. રિમાન્ડ નામંજુર થતાં ત્રણેયનો જામીન પર છુટકારો થયો હતો.