છેલ્લા એક મહિનાથી કોરોનાએ ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. જેમાં વડોદરા જિલ્લામાં એક માસ દરમિયાન કોરોના ઘણા લોકોના સ્વજનોને ભરખી ગયો હોવાની જીવંત તસ્વીર સૌએ નરી આંખે નિહાળી છે. કોરોનામાં મૃત્યુ પામનાર વ્યક્તિ છેલ્લા સમયમાં પોતાના પરિવારનું પણ મોઢું ન જાેઈ શક્યા તથા મૃતકના પરિવાર પણ તેના છેલ્લા શ્વાસમાં તેની પડખે ના ઉભા રહી શક્યા એવી વિકટ પરિસ્થિતનું નિર્માણ છેલ્લા ઘણા દિવસોથી ઉત્પન્ન થઇ છે. વડોદરાના ચાર મોટા સ્મશાનમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા જ્યાં રોજના ઘણા મૃતદેહો કતારમાં હોવાથી ૨૪ કલાક અગ્નિ સંસ્કારનું કામ ચાલુ રાખવામાં આવ્યું હતું. કોરોના કાળમાં મૃત્યુ પામેલા ઘણા મૃતકો એવા હતા જેની અંતિમ વિધિમાં પરિવારના કોઈપણ સભ્ય હાજર ન હતા અને અંતિમ સંસ્કાર બાદ મૃતકની અસ્થિ લેવા પણ પરિવાર ના કોઈ સભ્ય આવ્યા ન હોય તેવા મૃતકોની આત્માને શાંતિ મળે તે હેતુથી વડોદરા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ અધ્યક્ષ દ્વારા મૃતકોની આત્માની શાંતિ માટે તેઓની અસ્થિઓને ચાણોદમાં આવેલ ત્રિવેણી સંગમ ખાતે ધાર્મિક વિધિવત વિસર્જન કરી મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ આપી હતી. આ પુણ્યના કામમાં વડોદરા ભાજપના શહેર અધ્યક્ષ વિજય શાહ, મહામંત્રી રાકેશ સેવક, પક્ષના નેતા અભેસિંહ , કોર્પોરેટર નિલેશ રાઠોડ, પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે ઇન્ચાર્જ અનુ પટેલ, જીગર શાહ, રાકેશભાઈ તથા પૂર્વ જિલ્લા પ્રમુખ રાજેશ પટેલે હાજર રહી અસ્થિ વિસર્જન કરવામાં આવ્યું હતું.