વડોદરા : જિલ્લાની ૨૬૦ ગ્રામ પંચાયતોની આજે સવારથી શરૂ થયેલી મતગણતરી મોડી રાત સુધી ચાલી રહી હતી. શાંતિપૂર્ણ વાતાવરણમાં સાંજના ૭ઃ૩૦ વાગ્યા સુધીમાં ૨૬૦ પૈકી ૨૧૦ બેઠકોની જ ગણતરી પૂર્ણ થઇ હતી. ૫૦ બેઠકોની ગણતરી હજી સુધી ચાલુ હોવાનું ચૂંટણી વિભાગે જણાવ્યું હતું.

ગ્રામ પંચાયતની ચૂંટણીઓ બેલેટ પેપરથી યોજાઇ હોવાથી ગણતરીમાં વિલંબ થઇ રહ્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. જાેકે ૭ઃ૩૦ વાગ્યા સુધીમાં કરજણની ૨૨ ગ્રામ પંચાયતો અને શિનોરની ૨૬ ગ્રામ પંચાયતોના તમામ પરીણામો આવી ગયા હતાં. સાંજના ૭ઃ૩૦ વાગ્યા સુધીમાં સાવલીની ૪૬ પૈકી સૌથી વધુ ૨૫ બેઠકોની ગણતરી બાકી રહી હતી. ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થવાની સાથે જ મતગણતરી સ્થળોની બહાર લોકટોળાએ પોત પોતાના ઉમેદવારની જીત બદલ આતશબાજી ઢોલનગારા સાથે વિજય સરઘસો કાઢ્યા હતાં. ગ્રામ પંચાયતોના વિજયી થયેલા સરપંચો અને વોર્ડના સભ્યોના વિજય સરઘસો પોતાના ગામ તરફ રવાના થયા હતાં.

આજે સવારે ૯ઃ૩૦ વાગ્યા બાદ શહેર નજીકના દશરથ ગામ સહિત ૮ સ્થળો ઉપર ઉત્સાહના માહોલમાં પોલીસના ભારે બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થઇ હતી. મતગણતરીને લઇ ગામવાસીઓ ઓડી, ફોરચ્યુનર, સ્કોરપીયો જેવી વૈભવી ગાડીઓમાં ઉમેદવારો સાથે સવાર થઇને ૯ઃ૩૦ પહેલા મતગણતરી સ્થળો ઉપર આવી પહોચ્યા હતાં. જ્યારે ઉમેદવારોના સમર્થકો ટેમ્પા, ટ્રેક્ટર જેવા વાહનોમાં ઉમટી પડ્યા હતાં. મતગણતરી મથકોની બહાર ટોળે ટોળાઓમાં કોરોના ભુલાયો હોય એમ બધા માસ્ક વગરના જાેવા મળ્યા હતાં.

સમર્થકો વિજય સરઘસની તૈયારીના ભાગરૂપે ઢોલ નગારા પાર્ટી, ફુલહાર અને ફટાકડા લઇને પહોંચ્યા હતાં. ઠંડી અને પવન વચ્ચે પરીણામો જાહેર થતાં જ રાજકીય ગરમાવો સર્જાયો હતો. કહી ખુશી કહી ગમના દ્રશ્યો સર્જાયા હતાં. ગણતરી કેન્દ્રની બહાર પરીણામ જાણવા આવી પહોંચેલા સમર્થકોમાં પરિણામો જાણવાની ભારે ઉત્સુકતા જાેવા મળી હતી. ૧૧ વાગ્યા બાદ ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરીણામો આવવાની શરૂઆત થઇ હતી તેની સાથે જ મતગણતરી કેન્દ્રોની બહાર સુત્રોચ્ચાર સાથે સમર્થકોએ ગુલાલ ઉડાવવાનું શરૂ કરી ઢોલ નગારાના નાદ સાથે આતશબાજી શરૂ કરી હતી અને જીતેલા ઉમેદવાર બહાર આવતાં જ ખભા ઉપર બેસાડી વિજય સરઘસ કાઢીને ગામોમાં પહોંચી વિજયની ખુશીઓ મનાવી હતી.

બી.ઇ કેમિકલ યુવતી હનુમાનપુરા ગામના સરપંચ બની

વાઘોડિયા તાલુકાના હનુમાનપુરા ગામે સરપંચપદે બી.ઇ કેમીકલનો અભ્યાસ કરેલી યુવતી ચૂંટાઇ આવી હતી. ઉચ્ચ શિક્ષીત નિયતી પટેલ પ્રથમવાર જ ગ્રામ પંચાયતની ચૂંટણી જીતીને વિજેતા બન્યા છે. પ્રચાર દરમિયાન ગામ અને ગ્રામીણોના વિકાસ માટેનું વચન નિયતીબેને આપ્યું હતું અને ગામલોકોને ફરિયાદની તક નહી આપુ એવું જણાવતા ગામલોકોએ વિશ્વાસ મુકી મતઆપી જીતાડ્યા હતાં.