અંબાજી,તા.૨૫  

 કોરોના મહામારીના આ સમયમાં ભારત સરકાર દ્વારા ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરીને છેવાડાના યુવાવર્ગ સુધી આત્મનિર્ભર ભારતમાં યુવાઓની ભૂમિકાનો સંદેશ તેમજ જાણકારી પહોંચાડવા તેમજ તેમના સવાલોનું નિરાકરણ લાવવાના ભાગરૂપે ફિલ્ડ આઉટ રિચ બ્યુરો પાલનપુર દ્વારા સ્વામી વિવેકાનંદ રાજ્ય યુવા બોર્ડના સહયોગથી વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનું આયોજન ખાસ કોરોના મહામારીના સમય દરમ્યાન તેમજ ભવિષ્યમાં આવી વિપદાઓનો સામનો કરવા તેમજ યુવાઓને આત્મનિર્ભર બનાવવામાં અને રાષ્ટ્રનિર્માણની પ્રવૃતિઓમાં ભાગીદાર બનવા અપીલ કરવા માટે કરવામાં આવ્યું હતું.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના યુવા વર્ગને જ્યારે આત્મનિર્ભર બનવા માટે અભિયાન દ્વારા સ્વનિર્ભર થવા માટે અપીલ કરી છે.

દેશના દરેક વર્ગને સાધન સંપન્ન કરવા અને સામાન્ય લોકોનું જીવન ધોરણ સુધારવા  માટે ડિજિટલ ઈંડિયાના ભાગરૂપે વેબિનારના માધ્યમથી જન જાગૃતિનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમના સહભાગી તેમજ સ્વામી વિવિકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના ઝોન કો ઓર્ડીનેટર બીપીનભાઈ ઓઝાએ જણાવ્યું કે આજની ઉજ્જવળ યુવા પેઢી ભારત દેશના વિકાસમાં અગ્રેસર ભૂમિકા નિભાવી રહી છે.કેન્દ્ર સરકારના આત્મનિર્ભર અભિયાનની જાણકારી દેશના છેવાડાના નાગરિક સુધી પહોંચે તે કોરોના અને દેશની આર્થિક કટોકટી વચ્ચે ખુબજ જરૂરી છે. આ માટે દરેક યુવાઓને આ અભિયાન સાથે જોડાવા અને રાષ્ટ્રના નિર્માણમાં ભાગીદાર બનવા માટે અપીલ કરવામાં આવી હતી.કોરોના મહામારીને સાથે મળીને હરાવવા  માટે વેબીનાર થકી જાણકારી આપવામાં આવી હતી. આ વેબીનારમાં બનાસકાંઠા જિલ્લા યુવા વિકાસ અધિકારી પ્રિતેશભાઈ સોનીએ ભારતીય યુવાની સાચી ઓળખ આપતાં જણાવ્યું હતું કે ભારતના યુવાનની શક્તિ અને સામર્થ્યનો દુનિયાને પરિચય છે. વૈદિક કાળથી માંડીને આજના આધુનિક કાળમાં સમગ્ર દેશમાં યુવાઓની ભૂમિકા અગ્રેસર રહી છે. કોરોના મહામારીના આ સમયમાં દેશ સહિત રાજ્યના યુવાનો પોતાની સુસુપ્ત શક્તિઓને જાગ્રત કરી દેશના વિકાસ તેમજ જનજાગૃતિ માટે યુવાઓને અગ્રેસર રહેવા તેમજ સરકારના કાર્યોમાં સહભાગી થવા હાકલ  કરી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારના યુવા વિકાસ બોર્ડના ઉપક્રમે સમગ્ર રાજ્યમાં દેશની નવી પેઢી એવી યુવાનોને દેશના નિર્માણમાં સહભાગી બનવા વેબીનાર યોજવામાં આવી રહ્યા છે.