નિયમ બદલાતાં બાળકોની ટિકિટમાંથી જ ભારતીય રેલવેએ રૂા.૩૧૦૦ કરોડની કમાણી કરી
21, સપ્ટેમ્બર 2025 વડોદરા   |   3267   |  

૨૦૧૬માં નિયમમાં ફેરફાર કરાયો હતો

ભારતીય રેલ્વે દ્વારા બાળકોની ટિકિટોમાંથી છેલ્લા બે વર્ષમાં ભારે આવક થઈ હોવાનું તાજા આંકડાઓમાં સામે આવ્યું છે. RTI દ્વારા બહાર આવેલી માહિતી મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૩ થી ૨૦૨૫ દરમિયાન માત્ર ૫ થી ૧૨ વર્ષની ઉમરના બાળકોની ટિકિટોમાંથી જ રેલ્વેએ લગભગ રૂ. ૩,૦૯૪ કરોડની કમાણી કરી છે. જ્યારે ૧ થી ૪ વર્ષની ઉમરના શિશુઓ માટે બર્થ બુક કરવાથી વધારાના રૂ. ૭૦ કરોડથી વધુની આવક થઈ છે. આ રીતે, કુલ મળીને લગભગ રૂ. ૩,૧૦૦ કરોડની આવક માત્ર બાળકોની ટિકિટોમાંથી જ થઈ છે.મધ્યપ્રદેશના આરટીઆઈ કાર્યકર ચંદ્રશેખર ગૌરે કરેલી માંગણી પર CRIS (Centre for Railway Information Systems) દ્વારા પૂરા પાડવામાં આવેલા આંકડા મુજબ જાણવા મળ્યું છે કે, ૫ થી ૧૨ વર્ષની ઉમરના બાળકોમાં મોટી સંખ્યાએ અડધા ભાડે મુસાફરી કરી, પરંતુ તેમને અલગ બર્થ મળ્યો નથી. આ શ્રેણીમાં લગભગ એક કરોડથી વધુ બાળકો અડધા ભાડે મુસાફરી કરતા હતા, જેથી રેલ્વેને રૂ. ૪૦૦ કરોડથી વધુની આવક થઈ. બીજી તરફ, આ જ ઉમરના ૩૦ મિલિયનથી વધુ બાળકો એ સંપૂર્ણ ભાડું ચૂકવીને અલગ બર્થ લીધી હતી, જેથી રૂ. ૨,૬૦૦ કરોડથી વધુની આવક થઈ છે,ઉલ્લેખનીય છે કે રેલ્વેએ એપ્રિલ ૨૦૧૬માં નિયમોમાં મોટો ફેરફાર કર્યો હતો. તે પહેલાં ૫ થી ૧૨ વર્ષના બાળકો માટે અડધા ભાડે અલગ બર્થ ઉપલબ્ધ હતી. પરંતુ નવા નિયમો મુજબ, જો આ ઉમરના બાળકોને અલગ બર્થ જોઈએ તો તેમને સંપૂર્ણ ભાડું ચૂકવવું પડે છે. અડધું ભાડું ચૂકવીને મુસાફરી કરતા બાળકોને સીટ તો મળે છે, પરંતુ તેઓને બર્થ મળતી નથી અને તેમને માતા-પિતા કે અન્ય પુખ્ત વયના લોકો સાથે જ બેઠક શેર કરવી પડે છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution