20, સપ્ટેમ્બર 2025
નવી દિલ્હી |
2574 |
ટેરિફના વિવાદનો આગામી 8થી 10 સપ્તાહમાં જ ઉકેલની સંભાવના
રશિયા પર તેલ આયાત કરવા માટે ભારત પર બીજા ૨૫ ટકા સાથે કુલ ૫૦ ટેરિફ લગાવનારા અમેરિકાના પ્રમુખ ટ્રમ્પનું વલણ હવે નરમ પડયું હોવાની અટકળો છે. ટ્રમ્પ ભારત પર લગાવેલા ૫૦ ટકા ટેરિફમાંથી ૨૫ ટકા ટેરિફને હટાવી દે તેવી અટકળો છે. તે નવેમ્બર પછી ભારત પર લગાવવામાં આવેલો ૨૫ ટકાનો વધારાનો ટેરિફ હટાવી શકે છે. આ વધારાનો વેરો ૨૭ ઓગસ્ટથી અમલમાં આવ્યો હતો.
દેશના મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરને આશા વ્યક્ત કરી હતી કે ૩૦ નવેમ્બર પછી કેટલીક આયાત પર લગાવવામાં આવેલો ૨૫ ટકાનો વધારાનો ટેરિફ પરત લેવામાં આવશે. કોલકાતામાં મર્ચન્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત કાર્યક્રમમાં બોલતા નાગેશ્વરને જણાવ્યું હતું કે અમે પહેલાથી જ તેના પર કામ કરી રહ્યા છીએ. અમને ૨૫ ટકા મૂળભૂત ટેરિફ અને ૨૫ ટકા પારસ્પરિક ટેરિફ બંનેમાંથી એકેયની કલ્પના ન હતી. પરંતુ છેલ્લા કેટલાક ઘટનાક્રમો જોતાં મારું માનવું છે કે ૩૦ નવેમ્બર પછી દંડાત્મક ટેરિફ નહીં લગાવી શકાય. ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને વાતચીત ચાલી રહી છે. અને મને વિશ્વાસ છે કે આગામી કેટલાક મહિનામાં દંડાત્મક ટેરિફ અને રેસિપ્રોકલ ટેરિફનું કોઈ સમાધાન નીકળશે.