20, સપ્ટેમ્બર 2025
વોશિંગ્ટન |
2178 |
હવે નવા અરજદારો પાસેથી 88 લાખ ફી વસૂલાશે
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગોલ્ડ કાર્ડ લોન્ચની સાથે H-1B વિઝા માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે. કેટલાક H-1B વિઝા ધારકો હવે નોન-ઇમિગ્રન્ટ વર્કર તરીકે સીધા અમેરિકામાં નહીં પ્રવેશી શકે. નવી અરજી સાથે 100,000 ડૉલર એટલે કે 88 લાખ રૂપિયાથી વધુની ફી ચૂકવવાની રહેશે.
આ નવી 100,000 ડૉલરની ફી કંપનીઓ માટે ખર્ચમાં નોંધપાત્ર વધારો કરી શકે છે. જ્યારે મોટી ટેક કંપનીઓ માટે આ મોટી સમસ્યા નહીં હોય, જે સામાન્ય રીતે ટોચના પ્રોફેશનલ પાછળ ભારે ખર્ચ કરે છે. જોકે આ ફીને કારણે તે નાની ટેક કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સ પર દબાણ વધશે.
વ્હાઇટ હાઉસના સ્ટાફ સેક્રેટરી વિલ શાર્ફે કહ્યું, H-1B નોન-ઇમિગ્રન્ટ વિઝા પ્રોગ્રામ સૌથી વધુ દુરુપયોગ થતી વિઝા સિસ્ટમમાંની એક છે. આ વિઝાનો હેતુ હાઈ સ્કિલ્ડ ધરાવતા વ્યક્તિઓને અમેરિકામાં કામ કરવાની મંજૂરી આપવાનો છે, એવી નોકરીઓ ભરવાનો છે જે અમેરિકન કર્મચારી કરી નથી શકતા.
H-1B વિઝા ધારકોમાં 71% હિસ્સો ભારત ધરાવે છે
લગભગ બે તૃતીયાંશ H-1B વિઝા પોસ્ટ કમ્પ્યુટિંગ અથવા IT ક્ષેત્રમાં છે. પરંતુ એન્જિનિયરો, શિક્ષકો અને આરોગ્ય સંભાળ પ્રોફેશનલ્સ પણ આ વિઝાનો ઉપયોગ કરે છે. મળતી વિગતો અનુસાર, ગયા વર્ષે ભારત H-1B વિઝાનો સૌથી મોટો લાભાર્થી હતો, જે કુલ લાભાર્થીના 71% હતો, જ્યારે ચીન બીજા ક્રમે હતું, જેને ફક્ત 11.7% લાભ મળ્યો હતો.