20, સપ્ટેમ્બર 2025
દુબઈ |
2574 |
સ્ટાર ઓલરાઉન્ડર પાકિસ્તાન સામેની મેચમાંથી બહાર થવાની શક્યતા
ભારતીય ક્રિકેટ ટીમે એશિયા કપ 2025માં સતત ત્રીજી જીત નોંધાવી છે. પોતાના અંતિમ ગ્રુપ-સ્ટેજ મુકાબલામાં ભારતે ઓમાનને 21 રનથી હરાવ્યું, જોકે ઓમાને જોરદાર ટક્કર આપી હતી. હવે ભારતનો આગામી મુકાબલો રવિવારે પાકિસ્તાન સામે થશે, જે સુપર-4માં ટીમ ઇન્ડિયાની પહેલી મેચ હશે. પરંતુ આ મહત્ત્વપૂર્ણ મેચ પહેલાં જ ભારતીય ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે.
ઓમાન સામેની મેચમાં ભારતના સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલને ઈજા થઈ હતી. જેના કારણે તે બીજી ઇનિંગ્સ પૂરી કરી શક્યો નહીં. ઓમાનની ઇનિંગ્સની 15મી ઓવરમાં, અક્ષરે એક કેચ પકડવાના પ્રયાસમાં બોલ તેમના હાથમાંથી છૂટી ગયો હતો આ પ્રયાસમાં તે બેલેન્સ ગુમાવતા તેનું માથું જમીન સાથે અથડાયું. આ ઘટના બાદ તે મેદાન પર પાછો ફર્યો ન હતો. એવી શક્યતા છે કે અક્ષર પાકિસ્તાન સામેની આગામી મહત્ત્વપૂર્ણ મેચમાંથી બહાર થઈ શકે છે.
ઓમાન સામેની મેચ બાદ ભારતના ફિલ્ડિંગ કોચ ટી. દિલીપે માહિતી આપી કે અક્ષરની તબિયત સારી છે, પણ તેમનું પાકિસ્તાન સામે રમવું મુશ્કેલ છે. કારણ કે, આગામી મેચ પહેલાં ટીમ ઇન્ડિયા પાસે તૈયારી માટે બહુ ઓછો સમય છે.