20, સપ્ટેમ્બર 2025
વોશિંગ્ટન |
2277 |
અમેરિકાના કાયમી રહેવાશી બનવા એક મિલિયન ડૉલર ફી આપવી પડશે
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 'ગોલ્ડ કાર્ડ' વિઝા કાર્યક્રમ માટે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. આ કાર્યક્રમ હેઠળ જેમને અમેરિકામાં કાયમી રહેવાશી બનવાનો અધિકાર જોઇતો હોય એવા લોકો માટે એક મિલિયન ડૉલર અને કોર્પોરેશન કે બિઝનેસ એમ્પાયર હોય તો તેના માટે બે મિલિયન ડૉલર ફી નક્કી કરવામાં આવી છે. પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ સફળ રહેશે અને અબજો ડૉલરએકત્ર થશે. આનાથી ટેક્સ ઘટાડશે, દેવું ચૂકવાશે અને અન્ય ફાયદા થશે.
ગ્રીન કાર્ડ હેઠળ 281000 લોકોને પ્રવેશ અપાયો હતો
ટ્રમ્પના આ ગોલ્ડકાર્ડ ધારકને EB-1 અથવા EB-2 વિઝા ધારક તરીકે અમેરિકામાં કાયમી રહેવાસી તરીકે અધિકાર મળશે. આ ગોલ્ડ કાર્ડનો ફાયદો એવા જ અરજદારોને મળશે જે કાયદેસર રીતે કાયમી રહેવાશ માટે લાયકાત ધરાવતા હશે, અમેરિકા માટે સ્વીકાર્ય હશે અને તેની પાસે વિઝા પણ હોવા જોઈએ.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર પોસ્ટ કરીને લખ્યું, 'આજે અમને ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ લોન્ચ કરવાની જાહેરાત કરતા ગર્વ થાય છે. આ કાર્ડ વ્યક્તિઓ માટે 1 મિલિયન ડૉલર અને કોર્પોરેશનો માટે બે મિલિયન ડૉલરમાં ઉપલબ્ધ થશે. ઘણાં લાંબા સમયથી લાખો ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ આપણા દેશમાં પ્રવેશી ચૂક્યા છે, અને આપણી ઈમિગ્રેશન સિસ્ટમ તૂટી ગઈ છે. હવે સમય આવી ગયો છે કે અમેરિકાના લોકો અને અમેરિકન કરદાતાઓ આપણી કાનૂની ઈમિગ્રેશન સિસ્ટમનો લાભ મેળવે.
યુએસ વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે જણાવ્યું હતું કે, 'રોજગાર આધારિત ગ્રીન કાર્ડ કાર્યક્રમ અગાઉ દર વર્ષે 281,000 લોકોને પ્રવેશ આપતો હતો. આ લોકોની સરેરાશ આવક 66,000 ડૉલર હતી અને તે સરકારી સહાય કાર્યક્રમો પર પાંચ ગણા વધુ આધાર રાખતા હતા.