ગાંધીનગર-

ગુજરાતમાં દરરોજ એક હજારથી વધુ કેસો નોંધાતા જાય છે. તેવા સમયે ગુજરાત રાજ્યમાં કોવિડ 19ની કામગીરીમાં ફરજ બજાવતી વખતે ઘણાં સરકારી કર્મચારીઓ અવસાન પામ્યા છે. આ અવસાન પામેલા સરકારી કર્મચારીઓ ના ( કોર્પોરેશનના કર્મચારી સહિત ) સંતાનોને પર્સેન્ટાઇલ / પર્સટેન્જ કે આવક મર્યાદાને ધ્યાને લીધા સિવાય ડિપ્લોમા / સ્નાતક અભ્યાસક્રમ માટે સહાય આપવા સરકારે નિર્ણય કર્યો છે.

આ માટે સરકારી કર્મચારી જે વિભાગ હેઠળની કચેરીમાં ફરજ બજાવતા હોય તે વિભાગના નાયબ સચિવથી ઉતરતી કક્ષાના ના હોય તેવા અધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. આ નિર્ણયનો અમલ શૈક્ષણિક વર્ષ 2020/21થી કરવાનો રહેશે. ગુજરાતમાં મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના 2015/16થી અમલમાં છે. આ યોજના અંતર્ગત રાજ્યના ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની કારર્કિદીના ઘડતરમાં આર્થિક સહાય મળી રહે તે માટે સરકાર તરફથી સહાય આપવામાં આવે છે.