આણંદ, તા.૬ 

છોટે કાશી તરીકે જાણીતાં આણંદ જિલ્લાના ઉમરેઠ નગર ખાતે આવેલાં પ્રાચંન ચંદ્રમુળેશ્વર મહાદેવના મંદિરમાં અષાઢ વદ ૧ને સોમવારના રોજ સવારે ૯ કલાકના ટકોરે પરંપરાગત રીતે ઐતિહાસિક અષાઢી તોલવામાં આવી હતી. મળેલાં વર્તારા મુજબ ગત વર્ષની તુલનામાં આ વર્ષે એકંદરે વરસાદનું પ્રમાણ સારું રહેશે. ખેતી ક્ષેત્રે પણ આ વર્ષ શ્રેષ્ઠ રહેશે. બાજરી, અડદ સિવાયના તમામ પાકો માટે આ વર્ષ સારું રહેશે.

આ વર્ષે જાખાયેલી અષાઢીના વર્તારા મુજબ, તલ, કપાસ, મગ, ઘઉં, ડાંગર, જુવાર, ચણાનો પાક સારો થવાનું અનુમાન છે. માત્ર બાજરી અને અડદના પાક નબળાં થવાનું અનુમાન છે. વરસાદ પણ સારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ વર્ષ અઢાર આની બની રહેશે. ખેડૂતો માટે ખુશીનો વર્તારો છે. ઉમરેઠના ચંન્દ્રમુળેશ્વર મહાદેવ મંદિરમાં જાખવામાં આવતી અષાઢીનું ખુબ જ મહત્વ છે. ખાસ કરીને વિવિધ ગંજ બજારના વેપારીઓ પણ અષાઢી ઉપર પોતાની નજર રાખતાં હોય છે. અષાઢીના વર્તારા મુજબ વેપાર ધંધો કરે છે. અષાઢીના વર્તારા મુજબ જ પાક કયો કરવો અને વેપારીઓએ કયા ધાન્ય અને તેલીબીયાનો વેપાર કરવો તેનું અનુમાન કરવામાં આવે છે.

અષાઢી કેવી રીતે તોલવામાં આવે છે, એ પણ સમજવા જેવું છે. વરસાદનો વર્તારો જાણવા માટે ધાન્યોની જગ્યાએ પોટલીમાં માટી મૂકવામાં આવે છે. બીજે દિવસે આ માટી જે પ્રમાણે ભીનાશ પકડે તે મુજબ વરસાદ થાય તેવું અનુમાન કરવામાં આવે છે. ચાલુ વર્ષે સારો વરસાદ રહેશે તેવું અનુમાન છે. આજે અષાઢી જાખાઈ ત્યારે પંચના સભ્યો તરીકે અનાજ-તેલીબીયાના વેપારી અને ખેડૂત સહિત મહાદેવના પૂજારી વિશેષ ઉપસ્થિત હતી.

પંચની હાજરીમાં ધાન્યો જાખી મહાદેવના ચમત્કારી ગોખમાં મૂકાયાં!

ઉમરેઠના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલાં ચંદ્રમુળેશ્વર મહાદેવ ખાતે ગઈકાલે પૂનમની સાંજે પંચની હાજરીમાં ધાન્ય ભરેલી કોરી પોટલીયો એક ઘડામાં મૂકવામાં આવી હતી, જે મહાદેવના ગર્ભગૃહમાં આવેલાં એક ચમત્કારી ગોખમાં પંચ રૂબરૂ મૂકી આ ચમત્કરી ગોખને સીલ બંધ કરી દેવામાં આવ્યું હતું. ઉમરેઠમાં છેલ્લાં કેટલાંય વર્ષેથી અષાઢી તોલવાની પરંપરા ચાલી રહી છે, જે મુજબ વિવિધ ધાન્યોનું પંચ સમક્ષ રતીભાર વજન કરી કોરા કટકામાં મૂકી પોટલીઓ બનાવવામાં આવે છે. પછી આ તમામ ધાન્યોની પોટલીઓને મંદિરના એક ગોખમાં સીલ કરી દેવામાં આવે છે. બીજા દિવસે પુનઃ પંચ સમક્ષ આ ગોખને ખોલી ફરીથી આ ધાન્યોનું વજન કરવામાં આવે છે અને તેમાં જે ફેરફાર થાય તેને અષાઢી કહેવાય છે. કોઈ ધાન્યનું વજન વધે તો તે ધાન્યનો પાક સારો થશે, તેમ માનવામાં આવે છે. તે જ પાકનું વાવેતર ઉમરેઠ પંથકના ખેડૂતો કરતાં હોય છે.

વેપારીઓ પણ અષાઢી ઉપર નજર રાખે છે

છેલ્લાં કેટલાંય વર્ષથી અષાઢી તોલવાના સમયે અચૂક હાજર રહેતાં ઉમરેઠના નરેન્દ્રભાઈ ગાભાવાળાએ જણાવ્યું હતું કે, ખાસ કરીને ઉમરેઠ પંથક સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અષાઢીનું આગવું મહત્વ છે. આ ઉપરાંત વિવિધ ગંજ બજારના વેપારીઓ પણ અષાઢી ઉપર પોતાની નજર રાખતાં હોય છે. અષાઢીના વર્તારા મુજબ, વેપાર ધંધો કરે છે. અષાઢીમાં ચમત્કારી ગોખમાં જાખીને મૂકવામાં આવતાં ધાન્યોમાં મગ, જુવાર, ઘઉં, ડાંગરનો સમાવેશ થાય છે.

સૌરાષ્ટ્રમાં પણ અષાઢીનું ખૂબ મહત્વ

ઉમરેઠ ચંદ્રમુળેશ્વર મહાદેવના પૂજારી ગીરીશભાઈ દવેએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં ઉમરેઠની અષાઢીનું ખુબ જ મહત્વ છે. સૌરાષ્ટ્રાના ખેડૂતો અષાઢીના વર્તારા અંગે મહાદેવમાં પત્ર-વ્યવહાર કરી પૂછતાં હોય છે, જેનો જવાબ પત્ર દ્વારા આપવામાં આવે છે.

ફક્ત કાશી અને ઉમરેઠમાં જ અષાઢી તોલાય છે!

ઉરમેઠ નગરમાં આવેલાં પ્રાચીન ચંદ્રમુળેશ્વર મહાદેવ સંવત ૧૧૧૨માં સિદ્ધરાજ જયસિંહ અને માતા મિનળદેવીએ બંધાવ્યું હતું. આ મંદિરનો જિણોદ્ધાર સંવત ૧૭૮૮માં ગાયકવાડના સુબાયે કરાવ્યો હતો. ૨૯૦ વર્ષ પૂરાણા આ મંદિરની પ્રથા વિશ્વમાં અલગ છે. ઐતિહાસિક અષાઢી તોલવાની પ્રથા વિશ્વમાં બે જ જગ્યાએ છે. એક છે કાશી અને બીજું છે ગુજરાતના આણંદ જિલ્લાની સિલ્કસિટી અર્થાત છોટે કાશી તરીકે પ્રસિદ્ધ ઉમરેઠ. પહેલાંના સમયમાં ખેડૂત મુખ્યત્વે વરસાદનો આધાર રાખીને ખેતી કરતાં હતાં. અષાઢીનું મહત્વ વધુ હતું. હાલ સિંચાઈની સગવડો વધી ગઈ છે. તેમ છતાં ધરતીપુત્રો અષાઢીના વર્તારા પર આધાર રાખી ખેતી કરતાં હોય છે.