વડોદરા, તા. ૩

શહેરમાં શ્રીજી આગમન સમયે પાણીગેટ દરવાજા પાસે થયેલા કોમી છમકલાના પગલે સતર્ક બનેલા શહેર પોલીસ તંત્રએ ગણેશ વિસર્જન સમયે શહેરમાં શાંતિ અને કોમી એખલાસની ભાવના યથાવત રહે તે માટે આજે શાંતિ સમિતિની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં મેયર ઉપરાંત સાંસદ, ધારાસભ્યો, પોલીસ ઉચ્ચાધિકારીઓ અને બંને કોમના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને તેઓએ ગણેશ વિસર્જન પ્રક્રિયાને શાંતિપુર્વક પાર પાડવા માટે શહેર પોલીસ કમિ.ને વિવિધ સુચનો પણ કર્યા હતા.

શહેરમાં આગામી ૯મી તારીખે મોટા શ્રીજી મંડળો દ્વારા ગણેશ વિસર્જન કરાશે. દરમિયાન કોરોનાના બે વર્ષ બાદ આ વર્ષે શહેરમાં શ્રીજી ઉત્સવ ફરી તેના અસલ સ્વરૂપે ઉજવાતો હોઈ ગણેશ વિસર્જન પણ તેટલા જ ભવ્ય રીતે સંપન્ન થશે તેમાં બેમત નથી. જાેકે ગણેશ વિસર્જન શાંતિપુર્ણ અને કોમી ભાઈચારા અને એખલાસભર્યા વાતાવરણમાં પુર્ણ થાય તે માટે શહેર પોલીસ કમિ. ડો.શમશેરસિંઘની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકમાં શહેરના મેયર કેયુર રોકડિયા તેમજ સાંસદ રંજન ભટ્ટ તેમજ ધારાસભ્યો, પોલીસ ઉચ્ચાધિકારીઓ, સામાજિક અગ્રણીઓ તેમજ હિન્દુ-મુસ્લીમ કોમના અગ્રણીઓ અને શાંતી સમિતિના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

બેઠક દરમિયાન શાંતિ સમિતિના સભ્યોએ અને આમંત્રિતોએ ગણપતિ વિસર્જન શાંતિપુર્વક પુર્ણ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત સામાજિક અને ધાર્મિક આગેવાનોએ પણ અલગઅલગ વિસ્તારમાં નાગરીકોને ઉત્સાહભેર અને શાંતિપુર્ણ રીતે ગણેશ વિસર્જનમાં ભાગ લેવા માટે સુચનો આપી પોલીસ તંત્રને સહકાર આપવાની ખાત્રી આપી હતી તેમજ કોઈ અફવાના કારણે કોઈ વિવાદ ન સર્જાય તેનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત મુસ્લીમ વિસ્તારોમાં મુસ્લીમ યુવકો દ્વારા શ્રીજી સવારીઓનું સ્વાગત થાય તેવા પણ પ્રયાસો કરાશે તેવી ખાત્રી આપી હતી. બેઠકમાં વડોદરા શહેર પોલીસ ટીમ તરફથી સુરક્ષીત રીતે કોઈ પણ ભય વગર કે અનિચ્છનીય બનાવ વગર ગણપતિ વિસર્જન પુર્ણ થાય તે માટે બાંહેધરી આપવામાં આવી હતી.

ધારાસભ્ય યોગેશ પટેલની પોલીસને સંયમ જાળવવા ટકોર

આજે બેઠકમાં હાજર માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે બેઠક બાદ માધ્યમોને જણાવ્યું હતું કે ગણેશ વિસર્જન દરમિયાન શહેર પોલીસને સંયમ રાખી નાગરિકો સાથે ઘર્ષણમાં ના ઉતરે તેવી પોલીસ અધિકારીઓને ટકોર કરી હતી તેમજ ગણેશ વિસર્જનમાં ટાઈમનો મુદ્દો ના હોવા જાેઈએ અને ગણેશ વિસર્જન સારી રીતે થાય તે માટે પણ સુચનો કર્યા હતા.

અણગમતો પ્રશ્ન પૂછતા પોલીસ કમિ.‘ જયહિન્દ’ બોલી રવાના

આજે બપોરે સાડા બાર વાગે પોલીસ ભવન ખાતે મળનારી શાંતિ સમિતિની બેઠકનું કવરેજ કરવા માટે શહેર પોલીસ દ્વારા માધ્યમનોને પણ આમંત્રણ અપાયું હતું. જાેકે શાંતિ સમિતિની બેઠક બાદ શહેર પોલીસ કમિ.ને માધ્યમો દ્વારા ધારાસભ્ય યોગેશ પટેલે પોલીસને સંયમ રાખી નાગરિકો સાથે ઘર્ષણ નહી કરવા માટે ટકોર કરી છે તેની પ્રતિક્રિયા માટે પ્રશ્ન પુછાયો હતો પરંતું શહેર પોલીસ કમિ. આ પ્રશ્ન સાંભળતા જ થેન્ક્યુ..જય હિન્દ ..બોલી ખુરશી પરથી ઉભા થઈ રવાના થયા હતા.