ડેપ્યુટી કમિશનર અને સિટી ઇજનેરની દરખાસ્તમાં ગંભીર ભૂલ કરનાર ભોગાયતાએ ડીનની દરખાસ્તમાં પણ ભાંગરો વાટ્યો હતો
27, એપ્રીલ 2025

સુરત, સુરત મહાનગર પાલિકામાં પોતાની કાર્યપદ્ધતિ અને પ્રેક્ટિસ દ્વારા ચર્ચાસ્પદ બનેલાં રાજ્ય સરકાર નિયુક્ત ડેપ્યુટી કમિશનર ભોગાયતાએ ડેપ્યુટી કમિશનર સ્વાતિ દેસાઇ અને સિટી ઇજનેરની દરખાસ્તમાં તો ગંભીર ભૂલો કરતાં ખુદ મ્યુનિસિપલ કમિશનર અને શાસકોની પ્રતિષ્ઠાને લૂણો લાગ્યો હતો આ ઉપરાંત ભોગાયતાએ સ્મીમેર મેડિકલ કોલેજનાં ડીન ડો. દિપક હોવાળેને કાયમી કરવાની દરખાસ્તમાં પણ ભાંગરો વાટ્યો હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. સુરત મહાનગર પાલિકામાં નિયુક્તિ મેળવ્યાં બાદ જ્યારે મહેકમ વિભાગનો હવાલો હતો ત્યારે પોતાનાં વહિવટની આગવી પ્રેક્ટિસ ધરાવતાં ભોગાયતાએ મનપાની સાચી વહિવટી પ્રક્રિયામાં ગંભીર ભૂલોની પરંપરા સર્જી છે તેમ છતાં તેમની સામે પગલાં ભરવામાં મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ કેમ પાછીપાની કરે છે તે બાબત અધિકારીઓની સમજની બહાર છે. સ્થાનિક અધિકારીઓને નાની નાની ભૂલો બદલ શો-કોઝ નોટિસ, ચાર્જશીટ અને સસ્પેન્શન જેવા શિક્ષાત્મક પગલાંનો કોરડો ફટકારીને નાની ભૂલો પણ ચલાવી નહીં લેવાની ઇમેજ પ્રસ્થાપિત કરનાર કમિશનર શાલિની અગ્રવાલ ત્રણ ત્રણ ગંભીર ભૂલો આચરનાર ભોગાયતાને કેમ છૂટો દોર આપી રહ્યાં છે તેવો સવાલ પણ અધિકારીઓમાં ચર્ચાઇ રહ્યો છે. જતિન દેસાઇને સિટી ઇજનેર પદે નિમણૂક આપવા બાબતની દરખાસ્તમાં ગંભીર ભૂલ કરનાર અધિકારી-કર્મચારી સામે પગલાં ભરવાની તાકિદ સ્થાયી સમિતિએ કમિશનરને કરી છે જાે કે, કમિશનર શાલિની અગ્રવાલ સ્થાયી સમિતિથી એક ડગલું આગળ ચાલી રહ્યાં છે તેમણે વિદેશ પ્રવાસ પહેલાં જ મહેકમ વિભાગનાં પર્સનલ ઓફિસર, સેક્શન ઓફિસર અને ક્લાર્કને શો-કોઝ નોટિસ ફટકારવાનો આદેશ આપી દીધો હતો. જાે કે, આ હુકમ કરીને તેમણે ડેપ્યુટી કમિશનર ભોગાયતાને પરોક્ષપણે તો બચાવી જ લીધા હોવાનું જણાઇ રહ્યું છે. સ્વાતિ દેસાઇ અને જતિન દેસાઇ પછી હવે મેડિકલ કોલેજનાં ડીન ડો. દિપક હોવાળેનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ડો.હોવાળે તા.૦૯-૦૨-૨૦૨૨ મુજબ અજમાયશી ધોરણે સ્મીમેર કોલેજનાં ડીન તરીકે ફરજ બજાવી રહ્યાં છે. ડો. હોવાળેને તા.૧૯-૦૨-૨૦૨૩થી સુરત મહાનગર પાલિકાની નોકરીમાં કાયમી કરવાને બદલે માત્ર પુરા પગારમાં સમાવેશ કરવાની દરખાસ્ત ભોગાયતાએ તૈયાર કરીને મ્યુ.કમિશનરને મોકલી આપી હતી. કમિશનરે પણ ગાંધારીપણું દાખવીને દરખાસ્ત ધ્યાનથી વાંચ્યા વિના સહિ કરી સ્થાયી સમિતિ સમક્ષ પેશ કરી દેતાં સ્થાયી સમિતિએ પણ તે બાબતનો ઠરાવ કરી દીધો હતો. ડીન ડો.હોવાળેને કાયમી કરવાનાં હોવાથી બધા જ એવું સમજી બેઠાં કે કાયમી કરવાનો ઠરાવ કરી દેવાયો છે પરંતુ હકિકતમાં મ્યુ.કમિશનરની દરખાસ્તમાં જ ડો. હોવાળેને કાયમી કરવાનો ક્યાંય કોઇ ઉલ્લેખ જ નથી. ભોગાયતાએ ડીન ડો. હોવાળેની દરખાસ્ત તૈયાર કરવામાં પણ ભાંગરો વાટ્યો હોવાથી કમિશનર માટે વધુ એકવાર નીચાજાેણું થયું છે. જતિન દેસાઇની દરખાસ્ત મુદ્દે ગુસ્સે ભરાયેલાં સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ હવે ભોગાયતાની આ ગંભીર ભૂલ અંગે કેવું વલણ અપનાવે છે તે જાેવાનું રહ્યું. સ્વાતિ દેસાઇ અને ડીન ડો. હોવાળેની દરખાસ્તમાં કોમ્પ્યુટર મારફતે ઓટો જનરેટ કરેલા વિજિલન્સ અને ઇન્કવાયરી વિભાગનાં પ્રમાણપત્રો જાેવામાં આવ્યા હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ છે તો જતિન દેસાઇનાં કિસ્સામાં આ પ્રોસિજર ભોગાયતાએ કેમ ફોલો કરી નહીં તે પણ તપાસનો વિષય છે.

સ્વાતિ દેસાઇની દરખાસ્તમાં હકિકત દોષ દેખાયો છતાં પગલાં નહીં

મહાનગર પાલિકામાં ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ બજાવતાં સ્વાતિ દેસાઇને કાયમી કરવાની દરખાસ્ત તૈયાર કરવાને બદલે ભોગાયતાએ તા. ૦૧-૧૧-૨૦૨૨થી પુરા પગારથી નોકરી સમાવેશ કરવા બાબતની દરખાસ્ત તૈયાર કરીને મ્યુનિસિપલ કમિશનરને મોકલી આપી હતી. કમિશનરે પણ આંખો ઉપર પટ્ટી બાંધી હોય તેમ ભોગાયતાએ તૈયાર કરેલી દરખાસ્ત ઉપર સહિ કરીને સ્થાયી સમિતિ સમક્ષ પેશ કરી દીધી. પાછળથી ખબર પડી કે ખરેખર તો સ્વાતિ દેસાઇને કાયમી કરવાની દરખાસ્ત કરવાની હતી. સ્થાયી સમિતિએ મ્યુનિસિપલ કમિશનરની દરખાસ્ત મુલતવી રાખી હતી. મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલને નવી સુધારા દરખાસ્ત તૈયાર કરાવવાની ફરજ પડી અને ફરીથી સ્થાયી સમિતિ સમક્ષ સુધારા દરખાસ્ત પેશ કરતાં શાસકોએ સ્થાયી સમિતિની બેઠકમાં તે મંજૂર કરી હતી.

સિટી ઇજનેરની નિમણૂકમાં ચાર્જશીટની વિગત ન્હોતી છતાં પગલાં નહીં

સુરત મહાનગર પાલિકામાં અઢી દાયકાથી ફરજ બજાવનાર ઇન્ચાર્જ સિટી ઇજનેર જતિન દેસાઇને અક્ષય પંડ્યાની નિવૃત્તિ બાદ સિટી ઇજનેર તરીકે નિમણૂક આપવા બાબતની દરખાસ્ત ભોગાયતાએ તૈયાર કરાવી હતી. જતિન દેસાઇ કોઇપણ પ્રકારનાં આરોપો વિનાની બીનવિવાદી/નિષ્કલંક ફરજ બજાવી રહ્યાં છે અને સિટી ઇજનેરની નિયત લાયકાત તેમજ અનુભવ ધરાવતા હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરીને તેમને સિટી ઇજનેર તરીકે નિમણૂક આપવા બાબતની ડેપ્યુટી કમિશનર ભોગાયતાએ તૈયાર કરેલી દરખાસ્ત ઉપર કમિશનર શાલિની અગ્રવાલે આંખો ઉપર પટ્ટી બાંધી હોય તેમ સહિ કરી સ્થાયી સમિતિને મોકલી આપી હતી. જતિન દેસાઇને ચાર્જશીટ આપવામાં આવી હોવાની જાણ થતાં સુધારા દરખાસ્ત કમિશનરે ફરીથી મોકલવી પડી હતી અને સ્થાયી સમિતિએ નિમણૂક આપતો ઠરાવ રદ્દ કર્યો હતો.

મેડિકલ કોલેજનાં ડીનને કાયમ કરવાની દરખાસ્તમાં ગરબડ છતાં કાર્યવાહી નહીં

સુરત મહાનગર પાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર મેડિકલ કોલેજનાં ડીન તરીકે અજમાયશી ધોરણે ફરજ બજાવતાં ડો.દિપક સદાશિવ હોવાળેને તેમની ભલામણ મુજબ કાયમી કરવા બાબતનો પત્રવ્યવહાર ચાલતો હતો. ભોગાયતાએ દરખાસ્ત તૈયાર કરીને મ્યુનિસિપલ કમિશનરને મોકલી આપી હતી. આ દરખાસ્તમાં ડીન ડો.હોવાળેને મહાનગર પાલિકાની નોકરીમાં પુરા પગારમાં સમાવેશ કરવા બાબતનો સ્પષ્ટ ઉલ્લેખ કરાયો હતો. ભોગાયતા ઉપર વધુ પડતો વિશ્વાસ ધરાવતાં મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે પણ આંખો ઉપર પટ્ટી બાંધી હોય તેમ દરખાસ્ત વાંચ્યા વિના સહિ કરીને સ્થાયી સમિતિ સમક્ષ પેશ કરી હતી. હકીકતમાં ડીન ડો. હોવાળેને કાયમી કરવાની બાબત હતી પરંતુ દરખાસ્તમાં ક્યાંય કાયમી કરવાનો ઉલ્લેખ સુદ્ધાં ભોગાયતાએ કર્યો ન હતો જેથી ડો.હોવાળેને માત્ર પુરા પગારમાં નોકરીમાં સમાવેશ કરવાની દરખાસ્ત ઉપર સ્થાયી સમિતિએ ઠરાવ કર્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution