રાજકોટ, સ્ટ્રોંગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આવતા શનિવાર સુધી કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે ત્યારે આ આગાહીના પગલે ગઈકાલ રાત્રીથી ફરી સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વિવિધ સ્થળોએ ભરશિયાળામાં ચોમાસુ માહોલ જામ્યો છે અને ઠેર-ઠેર ઝાપટા સાથે કમોસમી વરસાદ પડવા લાગ્યો છે. ગઈકાલે રાત્રીના અને આજે સવારે રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમદાવાદ, જામનગર, અબડાસા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા, ખંભાળિયા અને અરવલ્લીમાં વરસાદ પડયો હતો.

દરમિયાન સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના અહેવાલો મુજબ આજે સવારે પુરા થતા ૨૪ કલાક દરમિયાન બનાસકાંઠા, કચ્છ, દ્વારકા અને અરવલ્લી જિલ્લાના ૯ તાલુકાઓમાં ઝાપટા વરસ્યા હતા. સાબરકાંઠાના વિજયનગર, બનાસકાંઠાના ધાનેરા, ડીસા, લાખાની તથા પાટણ, શંખેશ્ર્‌વર અને અમદાવાદમાં કમોસમી વરસાદ પડયો હતો. અમદાવાદમાં આજે વ્હેલી સવારે પણ વરસાદ પડયો હતો. રાજકોટ શહેરમાં ગતરાત્રે ઝાપટાંએ રોડ-રસ્તા ભીના કરી દીધા બાદ આજે પણ સવારે ચોમાસુ માહોલ વચ્ચે છાંટા પડયા હતા. ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે આખો દિવસ તથા આજે પણ સવારથી વાતાવરણમાં પલટો યથાવત હતો. ગઈકાલે બપોર બાદ આખા જિલ્લામાં કમોસમી છાંટા વરસ્યા હતા. જે આજે પણ અવિરત રીતે વરસ્યા હતા. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ ખંભાળિયા તાલુકા સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ મોસમમાં પલટો આવ્યો છે. આજે પણ સવારથી સૂર્યનારાયણના દર્શન થયા ન હતા અને ઘટાટોપ વાદળો વચ્ચે ખંભાળિયા તાલુકામાં ગઈકાલે બપોરથી કમોસમી છાંટા વરસ્યા હતા.

ફિશસરીઝ વિભાગ દ્વારા માછીમારોને તાકીદ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા આગામી તારીખ ૫ થી ૭ જાન્યુઆરી સુધી માછીમારો જાેગ એક જાહેર ચેતવણી જારી કરવામાં આવી છે. તંત્ર દ્વારા જણાવાયા મુજબ ત્રણ દિવસ દરમિયાન કમોસમી વરસાદની સંભાવના વચ્ચે માછીમારોને દરિયામાં દૂર સુધી માછીમારી ન કરવા તથા કિનારાની નજીક રહી અને માછીમારી કરવા ઉપરાંત ભારે પવન તથા વરસાદની પરિસ્થિતિમાં તાકીદે કિનારા પર પહોંચી જવા જિલ્લાના જુદા જુદા મત્સ્યોદ્યોગ કેન્દ્ર તથા આ અંગેના એસો.ને લેખિત પત્ર દ્વારા જણાવાયું છે. મળતી વિગતો મુજબ જામજાેધપુરના મોટી ગોપ ગામે એકધારો ૩૦ મિનિટમાં પોણો ઇંચ વરસાદ થયો હતો તેમજ જામજાેધપુર શહેરમાં પણ ગત સાંજે છ વાગ્યાથી મોડીરાત સુધી ધીમીધારે વરસાદી છાંટા પડયા હતા. જામજાેધપુર સહિત ગ્રામ્ય વિસ્તારમાં આજે વ્હેલી સવારથી વરસાદી વાતાવરણ સાથે વરસાદના છાંટા ચાલુ રહ્યા હતા. જામનગર શહેર અને જિલ્લામાં મોસમએ ફરીથી કરવટ બદલી છે.

માવઠાને પગલે ધરતીપુત્રોને હાલાકીઃ સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત દયનીય

સમગ્ર ગુજરાતમાં ૩ દિવસ વરસાદની આગાહી હવામાન તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે શિયાળાની સિઝન દરમ્યાન પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી જવા પામ્યા છે. હાલની પરિસ્થિતિ મુજબ સમગ્ર ગુજરાતના ખેડૂતો દ્વારા શિયાળાની શરૂઆત થતાની સાથે જ શિયાળું પાકોનું વાવેતર શરૂ કરી દેવામાં આવ્યું હતું. જીરું, વરિયાળી અને ચણા જેવા રવિ પાકોનું વાવેતર સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું હતું. પરંતુ શિયાળાની શરૂઆતથી જ કમોસમી વરસાદી ઝાપટાંને પગલે શિયાળું પાકમાં વાવેતરને નુકસાનની ભીતિ સર્જાઇ હોય તેવું ખેડૂતો પાસેથી જાણવા મળી રહ્યું છે. આ વાતાવરણમાં ભેજ હોય તેઓ સ્પષ્ટ અહેસાસ થઇ રહ્યો છે. તેવા સંજાેગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ સહિતના પંથકોમાં વહેલી સવારથી વાતાવરણ ભેજ વાળું લોકો અહેસાસ કરી રહ્યા છે. ત્યારે આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી તે સાચી પડી છે. આજે વહેલી સવારથી સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એક વખત માવઠાનો માર ખેડૂતોને સહન કરવાનો સમય આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં લીંબડી, સાયલા, ચોટીલા, થાન, વઢવાણ, જાેરાવરનગર અને રતનપર સહિતના ગામોમાં વહેલી સવારથી ઝરમર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે.