વિરસદ : ગુજરાત સરકાર દ્વારા આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે અમૃત મહોત્સવ ૭૫ની ઉજવણીનાં ઝાકમઝોળ ભરેલાં આયોજન વચ્ચે દાંડીયાત્રા સાથે જાેડાયેલી અનેક ઐતિહાસિક ધરોહર આજે પણ ધૂળ ખાય રહી છે! ઉજવણી અંતર્ગત પ્રતીકાત્મક દાંડી યાત્રાની સરકાર દ્વારા જાેરશોરથી શરૂઆત કરવામાં આવી છે, જેમાં દાંડીરૂટ પર આવતાં સ્થળો પર બેનર ,હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યાં છે. તેમજ સમગ્ર દાંડી રૂટના માર્ગ પર ખાડાં કે જર્જરિત રસ્તાઓને દુરસ્ત કરી માર્ગને ચકાચક બનાવવામાં આવી રહ્યો છે. દાંડી યાત્રાને ૯૦ વર્ષ પૂરાં થઈને ૯૧મા પ્રારંભ જાેરશોરથી કરવામાં આવ્યો છે. આ બધા વચ્ચે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની દાંડી યાત્રાની અનેક સ્મૃતિઓ બાબતે તંત્ર દુર્લક્ષ રાખી રહ્યું છે, જેને કારણે ગાંધીપ્રેમીઓમાં નારાજગી જાેવા મળી રહી છે.

વર્ષ ૧૯૩૦ની ૧૨મી માર્ચે સાબરમતી આશ્રમ અમદાવાદથી પ્રસ્થાન કરવામાં આવેલી દાંડીયાત્રા ૧૮મી માર્ચે બોરસદમાં ઝવેરબેન ડાહ્યાભાઈ પટેલ કન્યા વિદ્યાલય ખાતે આવી પહોંચી હતી. બોરસદમાં દાંડીયાત્રાના તમામ યાત્રિકો અને આઝાદી ઝંખી રહેેેલાં લોકોએ બોરસદમાં આવેલાં આ શૈૈક્ષણિક સંસ્થાનાં ઝરૂખામાં ઊભાં રહી મહાત્મા ગાંધીજીએ જંગી સભાને સંબોધન કર્યું હતું. આજે વર્ષો બાદ મહાત્મા ગાંધીના યાદગાર સંબોધનનો સાક્ષી બનેલો એ ઝરૂખો જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયો છે. મહાત્મા ગાંધીની દાંડીયાત્રા દરમિયાન બોરસદ શહેર અને આજુબાજુના ગામોમાંથી ઉમટી પડેલી વિશાળ જનમેદનીને આ ઝરૂખામાં ઊબાં રહીને પૂ.બાપુએ સંબોધન કર્યું હતું. જાેકે, આજેે આ ઝરૂખો જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયો છે. આ ઐતિહાસિક ફલોના સાક્ષી ઝરૂખાની તંત્ર દ્વારા કોઈ જ દરકાર રાખવામાં આવી નથી. એક તરફ અમૃત મહોત્સવ પાછળ લખલૂંટ ખર્ચ કરતું તંત્ર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સ્મૃતિઓ વિસરી રહ્યું છે!

અહીં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ સ્થળ પાસેથી વારંવાર પસાર થાય છે. ત્યારે ગમે ત્યારે ધસી પડે તેવી સ્થિતિમાં આવી ગયેલો આ ઝરૂખો અકસ્માત નોંતરે તેવી સ્થિતિ પણ ઊભી થઈ છે. મહાત્મા ગાંધીજીની યાદ સાથે જાેડાયેલાં ઐતિહાસિક આ ઝરૂખાની દરકાર લેવામાં નહિ આવે તો દાંડીકૂચની યાદ અપાવી રહેલો અમૂલ્ય વારસો અને બોરસદમાં ગાંધીજીની એક માત્ર યાદગીરીનો સાક્ષી આ ઝરૂખો ભવિષ્યમાં જાેવા નહિ મળે. હાલ આ ઝરૂખાને જાેઈ ગાંધીપ્રેમીઓમાં આઘાતની લાગણી જાેવાં મળી રહી છે. ત્યારે અમૃત મહોત્સવ પાછળ કરવામાં આવતાં લાખો રૂપિયાના ખર્ચ સાથે સાથે ગાંધીજીની અસલ સ્મૃતિ સચવાય તેવું આયોજન સરકાર કરે તેવી માગ ગાંધીપ્રેમીઓ સહિત સ્થાનિક લોકોમાં વ્યક્ત થઈ રહી છે.