ભોજન બનાવવામાં ઉપયોગમાં લેવાતાં લવિંગ ખાવાથી સ્વાદ વધવાની સાથે સાથે આરોગ્ય પણ સારું રહે છે. આયુર્વેદિક ગુણોથી ભરપુર હોવાના કારણે તેનો દવા બનાવવામાં પણ ઉપયોગ કરી શકાય છે. સાથે સાથે માત્ર બે લવિંગનું સેવન કરવાથી પાચન ક્રિયા પણ મજબૂત થાય છે. દાંતનો દુખાવો, શરદી-તાવ વગેરે નાના મોટા હેલ્થ પ્રોબ્લેમ પણ લવિંગથી દૂર થઇ શકે છે. જાણો તેનાથી મળતા અગણિત ફાયદા વિશે.

પેટમાં એસિડિટીની પરેશાની હોય ત્યારે લવિંગ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. આ માટે એક પેનમાં એક કપ પાણી ઉકાળો. પછી તેમાં બે લવિંગ પીસીને તેનો પાઉડર ભેળવો. જ્યારે પાણીનો રંગ બદલાઇ જાય ત્યારે ગેસ બંધ કરીને પાણી સહેજ ઠંડું કરીને પીઓ.

દાંતના દુખાવામાં રાહત મેળવવા માટે બે લવિંગને પીસી લો. તૈયાર પાઉડરમાં એક ચમચી લીંબુનો રસ ભેળવીને તેને દાંત પર રગડો. શરદી કે ખાંસીની સમસ્યા થાય ત્યારે બે લવિંગને ૪-૫ તુલસીનાં પાન સાથે એક કપ પાણીમાં ઉકાળો. તેમાં આવશ્યકતાઅનુસાર મધ ભેળવો. તૈયાર મિશ્રણને ઠંડું કરીને તેનું સેવન કરો.