વડોદરા

વડોદરા શહેરમાં ચોમાસુ આવતાની સાથે જ ભુવા પડવા સહિતની ફરિયાદો ઉઠી છે તેવામાં હાલમાં જ પાલિકાની હદ માં સમાવિષ્ટ ભાયલી ગામનો એક રોડ ચર્ચાનો વિષય બન્યો છે.ભાયલીથી પાદરા બાયપાસને જોડતો મુખ્ય માર્ગ ટ્રાફિકના કારણે સતત ધમધમતો રહે છે અહીંયા મુખ્ય માર્ગ પર સ્વામિનારાયણ મંદિર આવેલું હોવાથી દર્શનાર્થીઓની પણ સતત અવરજવર ચાલુ હોય છે. તેવામાં આ મુખ્ય માર્ગ ધોવાઈ જવાના કારણે વાહનચાલકો એ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે


આ મુખ્ય માર્ગ ચર્ચામાં હોવાનું કારણ વરસાદના કારણે બનેલી તેની અવદશા છે રસ્તા પર ઠેરઠેર મસમોટા ખાડા પડી ગયા છે તેવામાં હલકી કક્ષાની કામગીરીના કારણે અહીંયા આડા સ્પીડ બ્રેકર જેવી ખાસ ડિઝાઇન તૈયાર થઈ છે જે રાહદારીઓ માટે આકર્ષણ નું કેન્દ્ર સહિત અકસ્માત નું કારણ બની છે.

ઉપરોક્ત તસ્વીરમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે અડધો માર્ગ ધોવાઈ જવાના કારણે (વિચિત્ર દેખાતા) ઉભા સ્પીડ બ્રેકર નું નિર્માણ થયું છે અને આ સ્પીડ બ્રેકર આશરે દસ ફુટ લાંબો છે જેના કારણે વાહનચાલકો પોતાના જીવન જોખમે અહીંયાંથી પસાર પસાર થવા મજબૂર બન્યા છે.

પાલિકા દ્વારા કરવામાં આવતી પ્રિ મોન્સૂન કામગીરી અંતર્ગત શહેરના રોડ રસ્તાઓ નું સમારકામ કરવું પણ જરૂરી છે ત્યારે પાલિકા દ્વારા તેમજ વોર્ડ10ના સ્થાનિક કોર્પોરેટરો દ્વારા આ વિસ્તારની સતત અવગણના કરવામાં આવી રહી છે જેના કારણે અહીંના નાગરિકો પારાવાર મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે ત્યારે રોડ પર બનેલા આ ઉભા સ્પીડ બ્રેકર સમગ્ર રાજ્ય ના પ્રથમ ઉભા સ્પીડ બ્રેકર બની ઉભરી આવે એ પેહલા તેનું સમારકામ કરવું અનિવાર્ય બન્યું છે.હાલ આ માર્ગ ની ડિઝાઇન(અવદશા) રાહદારીઓ માટે આકર્ષણ નું કેન્દ્ર બની છે ત્યારે વહીવટી તંત્ર નાગરિકો ની આ વિકટ સમસ્યા થી આકર્ષાઈ ને તેનું નિરાકરણ લાવશે કે કેમ એ પ્રશ્ન સ્થાનિક નાગરિકોમાં ઉઠી રહ્યો છે.