જૂનાગઢ-

જિલ્લામાં આવેલી અને વર્ષ 1900ની સાલથી સતત કાર્યરત એવી બહાઉદીન કોલેજને ભારતના રક્ષિત સ્મારકોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રની સૌથી જૂની બીજા નંબરની કોલેજ રક્ષિત સ્મારક જાહેર થતાં આ કોલેજમાં અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓ ખૂબ જ ખૂશ જોવા મળી રહ્યા છે. ગુલામ ભારતમાં જૂનાગઢના નવાબે શિક્ષણની જ્યોત સતત પ્રજ્વલિત રહે તે માટેનો પ્રયાસ કર્યો અને જૂનાગઢમાં સૌરાષ્ટ્ર અને કાઠીયાવાડ ની જેતે સમયની બીજા નંબરની સૌથી મોટી કોલેજ સ્થાપવામાં આવી હતી ,જે આજે સો વર્ષ કરતાં પણ વધુ વર્ષથી સતત શિક્ષણની જ્યોત ફેલાવી રહી છે. 5 માર્ચ 1897ના દિવસે સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડના રાજકીય એજન્ટ જે.એમ હન્ટરના હાથે આ કોલેજનો શિલારોપણ વિધિ કરવામાં આવી હતી. જૂનાગઢના નવાબના સાળા રસુલખાન દ્વારા જે તે સમયે રૂપિયા અઢી લાખના ખર્ચે કોલેજનું બાંધકામ કરવામાં આવ્યું હતું. કોલેજમાં આવેલો 52 બારી અને દરવાજા વાળો સેન્ટ્રલ હોલ આજે પણ અજાયબી તરીકે ઓળખાય છે. સેન્ટ્રલ હોલને જોવા માટે આજે પણ અનેક લોકો બહાઉદ્દીન કોલેજની મુલાકાત અચૂક લે છે. આ કોલેજનું શિક્ષણ સ્તર એટલી હદે સચોટ છે કે આજે પણ વિદ્યાર્થીઓ બાઉદીન કોલેજમાં અભ્યાસ કરીને પોતે કોલેજના વિદ્યાર્થી છે તેવો ગર્વ આજે સો વર્ષ બાદ પણ લઈ રહ્યા છે.