સાવરકુંડલા, સાવરકુંડલા તાલુકાની થોરડી ગ્રામ પંચાયત આઝાદી બાદ કયારેય બિનહરીફ બની ન હતી. અને જ્ઞાતિવાદ અને કુટુંબવાદના કારણે ગામની છાપ હંમેશા વિવાદાસ્પદ રહી હતી. જાે કે પાછલા ચારેક વર્ષથી ગામના ડો.પ્રકાશભાઇ બરવાળીયાએ ગામનો વિકાસ કરવાનુ બીડુ ઝડપી લીધુ હતુ અને ગામના આગેવાનોની સમજાવટ કરતા આ વખતે થોરડી ગ્રામ પંચાયત બિનહરીફ બની હતી.

ડો.પ્રકાશભાઈ બાબુભાઈ બરવાળીયાએ ગામનો વિકાસ કરવાનું બીડું ઝડપ્યું છે. તેમણે ગામના જ ઉત્સાહી યુવાનોની ટીમ બનાવીને ગામની એક પછી એક સમસ્યાઓ બાબતે અભિયાન હાથ ધર્યું. સૌપ્રથમ તેમણે એક પણ પ્રકારની સરકારી સહાય વિના ગામમાં જળક્રાંતિ અભિયાન ચલાવ્યું અને ગામમાં ૧૨ જેટલા નાના મોટા ચેકડેમ બનાવ્યાં. જેના કારણે ગામમાં ભૂગર્ભ જળસ્તર પહેલાં હજાર ફૂટે હતું તે આજે ચાલીસ પચાસ ફૂટે આવી ગયું છે. ત્યારબાદ તેમણે ગામમાં ગામને નંદનવન બનાવવા દસ હજાર જેટલા વૃક્ષો વાવ્યા અને આ વૃક્ષોની યોગ્ય માવજત કરીને મોટા કર્યાં.

આ ઉપરાંત ગામમાં લોકોએ હાંકી કાઢેલી ગાય બળદ માટે ગૌશાળા શરૂ કરી. આ તમામ કામોમાં થોરડી ગામનાં લોકોએ ખૂબ સાથ સહકાર આપ્યો. ડો.પ્રકાશભાઈને ધ્યાનમાં આવ્યું કે ગ્રામ પંચાયતની ચૂંટણીનાં કારણે ગામમાં વિવાદો ઉભા થાય છે. અને એનાં લીધે ગામની એકતા અને શકિત બગડે છે. એટલે હાલ આવનારી ગ્રામ પંચાયતની ચૂંટણી બાબતે તેઓ સુરતથી થોરડી જઈને ગામ લોકોની જાહેર મીટીંગ કરી હતી. ગામ લોકોને પ્રેમથી સમજાવ્યા હતાં. અને બિનહરીફ ચૂંટણી કરવા સહકાર આપવા સહકાર આપવા વિનંતી કરી હતી. ગામનાં તમામ લોકોએ પણ ડોક્ટરનાં આ ર્નિણયને આવકાર્યો હતો. અને બિનહરીફ ચૂંટણી માટે પૂરો સાથ આપ્યો.

આખરે સર્વસંમતિથી ગામ લોકોએ ગામનાં વડીલ એવાં જયાબેન પ્રાગજીભાઈ કસવાળાને બિનહરીફ સરપંચ જાહેર કર્યા હતાં. આ સમય ગામ માટે એક નવા યુગની શરૂઆત બની ગઈ અને ઐતિહાસિક ઘટના બની ગઈ છે. હંમેશા એવું કહેવાતું હતું કે થોરડીમાં કોઈ દિવસ બિનહરીફ ચૂંટણી ન થઈ શકે એ આજે થોરડીનાં લોકોએ કરી બતાવ્યું છે કે હવે થોરડી કોઈ એવું મહેણું ન મારી શકે. બિનહરીફ સરપંચ જાહેર કરીને ગામમાં ચૂંટણી થતી અટકાવીને સરકારી મશીનરી અને લોકોનો સમયનો દુર્વ્યય અટકાવ્યો છે. ગામની એકતા અને સંગઠન મજબૂત બન્યાં છે.