વડોદરા, તા.૨

ધારાસભ્યના હંુકારની પણ દરકાર નહીં રાખનાર વાઘોડિયા ટીડીઓને દબાણ દૂર કરવા બદલ ધમકી આપનાર ત્રણની ધરપકડ વાઘોડિયા પોલીસે કરી છે. રાજકારણીના ઈશારે ટીડીઓ અને પંચાયત કર્મચારીઓને ધમકી આપ્યા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયેલા ત્રણ સામે પોલીસે ગુનો નોંધ્યો હતો. ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરતા તાલુકા પંચાયતના સ્ટાફ અને તાલુકા વિકાસ અધિકારી સાથે દબાણ કર્તાઓએ તકરાર કરી વિવાદ ઊભો કર્યો હતો. સરકારી કર્મચારીઓના કામમાં અવરોધ ઊભો કરી સ્ટાફને નોકરીમાંથી કાઢી મુકાવી એક્સીડેન્ટ કરી મારી નાખવાના આક્ષેપ સાથેની અરજી વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારી કાજલ આંબલીયાએ વાઘોડિયા પોલીસ મથકમા ૨૪ ફેમ્બ્રુઆરીએ નોંધાવી હતી. જયઅંબે ચાર રસ્તા પર આવેલ વિવાદિત બાંઘકામ ગેરલાયક ઠરતાં વાઘોડિયા ગ્રામ પંચાયતે નોટિસ બજાવી હતી. જે સંદર્ભમાં દબાણકર્તાએ જાતેજ બિલ્ડીંગ તોડી પાડી હતી, પરંતુ બિલ્ડીંગ તોડ્યા બાદ ફરીથી તે જગ્યામાં ગ્રામ પંચાયતની પરમિશન વગર તારની ફેન્સીંગ કરી ફરીથી જાહેર માર્ગ પર દબાણ કરતા તેને દૂર કરાવવા તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના સ્ટાફ સાથે મહિલા ટીડીઓ ગયા હતા.પરંતુ સતીષચંદ્ર નગીનલાલ જયસ્વાલના પુત્ર રાહિ જયસ્વાલ અને તેની બહેન અંજલી જયસ્વાલ સહિત રાહિના મિત્ર જતીન મહંતે આવી દાદાગીરી કરતા મામલો બિચક્યો હતો. ઘટના સ્થળે વાઘોડિયા પોલીસનો બંદોબસ્ત વધારી ટોળાને દૂર કરાયા હતા. જાેકે આ ઘટનાના પગલે ટીડીઓ કાજલ આંબલિયાની ફરિયાદ બાદ આરોપી ત્રિપુટીઓને શોધવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરતા ત્રિપુટી હાથ લાગી ન હતી. ત્યારે આજે રોજ ત્રિપુટી પોલીસ મથકે હાજર થતા વાઘોડિયા પોલીસે ધરપકડ કરી કોર્ટ સમક્ષ હાજર કર્યા હતા.