અમદાવાદ ગુજરાતમાં ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યામાં આગામી દિવસોમાં પણ કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે, ૧૫મીથી ૧૮મી એપ્રિલ દરમિયાન અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. તાપમાનની વાત કરીએ તો બુધવારે સૌથી વધુ ગરમી સુરેન્દ્રનગરમાં ૪૨.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી તાપમાનના પારામાં વધારો થઈ રહ્યો છે. ચૈત્ર માસના પ્રારંભથી જ ઉનાળાની કાળઝાળ ગરમીનો પ્રારંભ થઇ રહ્યો છે. થોડા દિવસ પહેલા મહત્તમ પારો ગગડતા લોકોએ રાહત પણ મળી હતી. ત્યારે છેલ્લા બે દિવસથી અચાનક જ દિવસ અને રાત્રીના તાપમાનમાં વધઘટ થવાથી તેની અસર દિવસ દરમિયાન અનુભવવા મળી હતી. આગામી દિવસોમાં તાપમાનના પારામાં વધારો થશે અને ગરમી આક્રમક બનશે તેવી આગાહી કરવામાં આવી છે.બુધવારના તાપમાનની વાત કરીએ તો, અમદાવાદમાં ૪૧.૫, ગાંધીનગરમાં ૪૧.૪, ડીસામાં ૩૯, વલ્લભ વિદ્યાનગરમાં ૩૮.૫, વડોદરામાં ૪૦.૮, સુરતમાં ૩૯, વલસાડમાં ૩૫.૫, ભુજમાં ૪૧.૧, નલિયામાં ૩૭.૪ , અમરેલીમાં ૪૨.૪, ભાવનગરમાં ૩૯.૫, રાજકોટમાં ૪૧.૯, વેરાવળમાં ૩૨.૬, દ્વારકામાં ૩૧.૪, સુરેન્દ્રનગગરમાં ૪૨.૫ અને કેશોદમાં ૩૯.૫ ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં ૧૮મી એપ્રિલ બાદ ગરમીમાં ફરી વધારો થાય તેવી આગાહી કરવામાં આવી છે. દેશના હવામાનની વાત કરીએ તો, ચાલુ વર્ષે દિલ્હી સહિતના અનેક રાજ્યોમાં ગરમીનો રેકોર્ડ તૂટી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે ફરીથી નવી ચેતવણી જાહેર કરી જણાવ્યું છે કે, બે દિવસ પછી ઓછામાં ઓછા પાંચ રાજ્યોમાં હીટ વેવ જાેવા મળશે. ભારતીય હવામાન વિભાગે આ અંગે જણાવ્યું હતુ કે, પંજાબ, દક્ષિણ હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ૧૫ એપ્રિલ, ૨૦૨૨થી હિટ વેવ શરૂ થશે. આ સાથે રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.