22, જાન્યુઆરી 2022
વડોદરા, તા.૨૧
વડોદરા શહેર-જિલ્લામાં હાહાકાર મચાવી રહેલા ઘાતક કોરોનાના કેસોમાં સતત વધારા સાથે ઉછાળો આવી રહ્યો છે. ત્યારે આજે વિતેલા છેલ્લા ર૪ કલાક દરમિયાન ૨૯૪૧ નવા કોરોનાના કેસ નોંધાયા હતા. જ્યારે કોરાનામાં સપડાયેલા અને સરકારી-ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ત્રણ દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં, જેમાં એક વેપારીનો સમાવેશ થાય છે.
બીજી તરફ કોરોનાના ડેથ ઓડિટ કમિટીએ વધુ બે દર્દીઓના મોત કોરોનામાં જાહેર કરતાં કોરોનાનો સત્તાવાર મૃત્યુઆંક વધીને ૬૨૬ થયો હતો, જ્યારે કોરોના પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા ૧ લાખ નજીક એટલે કે, ૯૨,૩૮૧ ઉપર પહોંચી છે. હાલ વડોદરા શહેરમાં કુલ ૧૩,૨૪૩ દર્દીઓ એક્ટિવ છે જેમાં ૧૨,૯૯૭ દર્દીઓ હોમ આઈસોલેશન અને ૧૧,૭૬૪ દર્દીઓ હોમ ક્વોરન્ટાઈ હેઠળ રાખવામાં આવ્યા છે. શહેરમાં ૨૪૬ દર્દીઓ શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ૧૪ દર્દીઓ વેન્ટિલેટર ઉપર અને ૮૬ દર્દીઓ ઓક્સિજન ઉપર સારવાર હેઠળ છે. ૧૨૩૧ દર્દીઓની તબિયતમાં સુધારો થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સાથે ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા વધીને ૭૮,૫૧૨ ઉપર પહોંચી છે.
આજે પાલિકાની આરોગ્ય વિભાગની ટીમોએ શહેરના ફતેપુરા, બાપોદ, કિશનવાડી, માંજલપુર, સવાદ, છાણી, ગોત્રી, સુદામાપુરી, વાઘોડિયા રોડ, ગાજરાવાડી, હરણી, જેતલપુર, દિવાળીપુરા, અકોટા, તાંદલજા, એકતાનગર, વડસર, આજવા રોડ, સમા અને લક્ષ્મીપુરા રોડ સહિતના વિસ્તારોમાં સાવચેતીના ભાગરૂપે કોરોનાલક્ષી કામગીરીનો સર્વે કરવામાં આવતાં જેમાં ૧૧,૩૭૨ લોકોના સેમ્પલોની ચકાસણી કરાઈ હતી. શહેરના ચારેય ઝોન પૈકી પશ્ચિમ ઝોનમાં ૭૮૭, દક્ષિણ ઝોનમાં ૭૧૯, ઉત્તર ઝોનમાં ૫૭૬, પૂર્વ ઝોનમાં ૪૫૦ મળી કુલ ૨૯૪૧ નવા કેસ સામે આવ્યા હતા. જે પૈકી કેટલાકને હોમ ક્વોરન્ટાઈન, તો કેટલાકને હોમ આઈસોલેશનમાં તો કેટલાકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પોલીસ વિભાગના વધુ ૧૭ કર્મીઓ સંક્રમિત થયા ઃ કુલ સંખ્યા ૧૬૪
કોરોનાનો વિકરાળ પંજાે શહેરની ચારેય તરફ ફરી વળતાં પોલીસતંત્રના એસીપી કક્ષાના ઉચ્ચ પોલીસ અધિકારી સહિત કોરોના સંક્રમિત થતાં કુલ સંખ્યા ૧૬૪ ઉપર પહોંચી છે. આજે વધુ ૧૭ પોલીસ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હતા. જેના કારણે પોલીસબેડામાં દહેશત ફેલાઈ ગઈ છે.
રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી કોરોના સંક્રમિત
વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રીવેદી કોરોના સંક્રમિત થયા છે. આ અંગેની જાણ તેમણે સોશિયલ મિડીયાના માધ્યમ થી કરી હતી.તેમનો આરટીપીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ ગાંધીનગર સ્થિત તેમના નિવાસ્થાને ક્વોરન્ટીન થયા છે. મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ તેમના સંપર્કમાં આવનાર લોકોને કાળજી લેવાની તેમજ ટેસ્ટ કરાવવા અપીલ કરી છે.
હવે બોયઝ હોસ્ટેલમાં ૨૧ વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા
વડોદરા ઃ વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં આજે કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યુ હતુ. બોયઝ હોસ્ટેલના ૧૨ હોલના ૧૪૧ વિદ્યાર્થીઓએ સ્વૈચ્છિક રીતે ટેસ્ટ કરાવ્યા હતા, જેમાંથી ૨૧ વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા છે, જેને પગલે વિદ્યાર્થીઓનાં પરિવારજનો ચિંતિત થયાં છે. આ ઉપરાંત એસપી હોલના વોર્ડન અને એક સિક્યોરિટી ગાર્ડનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. યુનિ. દ્વારા તમામ બોયઝ હોસ્ટેલને સેનિટાઈઝેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગઇકાલે ગર્લ્સ હોસ્ટેલની ૩૬ વિદ્યાર્થિની પોઝિટિવ આવી હતી અને આજે બીજા દિવસે બોયઝ હોસ્ટેલમાં પણ કોરોના વિસ્ફોટ થયો છે.યુનિવર્સિટીની બોયસ હોસ્ટેલ્સના ૧૨ હોલમાં હાલ કુલ ૨૭૦ વિદ્યાર્થીઓ રહે છે. જેમાંથી સ્વૈચ્છિક રીતે વિદ્યાર્થીઓ, વોર્ડન અને સિક્યુરિટી ગાર્ડ્સ સહિત૧૪૧ એ ટેસ્ટ કરાવ્યો હતો.જ્યારે ૧૩૦ જેટલા વિદ્યાર્થીઓ ટેસ્ટ કરાવવા માટે આવ્યા ન હતા.ટેસ્ટ કરાવનારા વિદ્યાર્થીઓ પૈકી ૨૧ નો રીપોર્ટ પોઝિટીવ આવતા આ તમામ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંજ અલગ થી આઈસોલેશન હેઠળ રાખવામાં આવ્યા છે.આ વિદ્યાર્થીઓને જરૂરી દવાઓ આપને તેમના પરીવારજનોને પણ આ અંગેની જાણ કરવામાં આવી હતી.
સયાજી હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા ૪૪
સયાજી હોસ્પિટલમાં આજે કોવિડની ઓપીડી દરમિયાન કોરોનાના શંકાસ્પદ લક્ષણો સાથે ૨૦૪ જેટલા દર્દીઓને મેડિકલ તપાસ કરવામાં આવી હતી. જેમાં રેપિડ ટેસ્ટ કરવામાં આવતાં પ૭ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. હાલ ૪૪ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. સયાજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં બે આઈસીયુ વોર્ડ બનાવવામાં આવ્યા છે.