મેડિકલ ઓક્સિજન સિલીન્ડરોની કાળા બજારી કરનાર ત્રણ શખ્સો ઝડપાયા
10, મે 2021

અમદાવાદ, રેમડેસીવીર ઈન્જેક્શનની કાળા બજારી ચાલી રહી છે ત્યારે હવે કોરોના સંક્રમીત દર્દીઓની સારવાર માં ઉપયોગમાં લેવાતા મેડિકલ ઓક્સીજન સિલીન્ડરોનું કાળા બજાર કરતા ત્રણ શખ્સો પાસેથી ૩૯ જેટલા મેડિકલ ઓક્સીજન સિલીન્ડરો સાથે ઝડપી લીધા હતા. આ ત્રણેય આરોપીઓ આર્થીક ફાયદા માટે કોરોના ગ્રસ્ત દર્દીઓના પરીવારજનોને રૂ.૧૫ હજારથી લઈ ૨૫ હજાર સુધીમાં એક ઓક્સિજન સિલીન્ડરો વેચતા હોવાનું પુછપરછમાં સામે આવ્યુ છે.

કોરોના મહામારીમાં કોરોના સંક્રમીત દર્દીઓની સારવાર માં ઉપયોગમાં લેવાતા મેડિકલ ઓક્સીજન સિલીન્ડરોનું કાળા બજાર થઈ રહ્યુ હોવાના સોશિયલ મિડીયામાં મેસેજાે વાયરલ થતા ક્રાઈમ બ્રાંચની ટીમે તપાસ હાથધરી હતી. દરમિયાન બાતમી મળી હતી કે, ઝૈદ અસ્લમભાઈ જુનાની મનિયાર્સ વન્ડર લેન્ડ સરખેજ પાસે આવેલ ગુજરાત સેફટી નામના ગોડાઉનમાં મેડીકલ ઓકસીજન સિલીન્ડર વગર પાસ પરવાનાએ અન્ય જગ્યાએથી લાવી બજાર કિમંત કરતા ઉંચા ભાવે ગેરકાયેદસર વેચાણ કરી કાળા બજારી કરી રહ્યા છે. જેના પગલે ક્રાઈમબ્રાંચની ટીમે ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો જેમાં ઉવેશ મેમણ, તૌફીકએહમદ શેખ, મોહમદઅશરફ શેખ નાઓ ઓક્સિજનના ૬ લિટરના ૨૮ બાટલા, ૧૦ લિટરના ૫ બાટલા મળી કુલ રૂ.૨.૩૪ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા. બાદમાં આરોપીની પુછપરછ કરતા જાણવા મળ્યુ હતુ કે, મેડિકલ ઓક્સીજન સિલીન્ડરો ગુજરાત ફાયર સિસ્ટમસના માલીક ઝૈદ અસ્લમભાઈ પોતાના પિતા અસ્લમભાઈ નાઓ ગુજરાત સેફટીના ગોડાઉનમાં રાખેલ હોવાનું અને કોરોના સંક્રમિત દર્દીઓના સગા સંબંધીઓને રૂ.૧૫ હજાર થી લઈ રૂ.૨૫ હજાર સુધીમાં વેચતા હતા. તથા અત્યાર સુધીમાં લગભગ ૨૦૦ જેટલા મેડિકલ ઓક્સિજન સિલેન્ડર વેચી દીધા હતા.

રેમડેસીવીરનો ગેરકાયદે સ્ટોક રાખનાર ૩ ઝડપાયા

ક્રાઈબ્રાંચના પોલીસ ઈન્સપેક્ટર એચ.એમ.વ્યાસને બાતમી મળી હતી કે, આનંદ મેડીસીન્સ પ્રેમદરવાજાની પેઠીના માલિક ચિરાગ શાહ અને સંદિપભાઈ મહેતા બંન્ને જણા રેમડેસીવર ઈન્જેકશન પોતે પોતાના ગોડાઉન તેમજ સ્ટોર તથા ઓફિસમાં ગેરકાયદેસર રીતે રાખી તેનું કાળા બજાર કરી ઉંચા ભાવે વેચાણ કરે છે. બાતમીના આધારે તપાસ કરતા ચિરાગ શાહ, સંદિપ મહેતા અને જયેશ ભાવસારનાઓ પાસેથી ૩૪ રેમડેસીવીર ઈન્જેક્શન પોતાની સાથે રાખી મળી આવતા ક્રાઈમ બ્રાંચની ટીમે ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution