28, જુલાઈ 2025
2970 |
જમ્મુ, એક તરફ નવી દિલ્હીમાં સંસદમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા ચાલી રહી હતી. રક્ષા મંત્રી રાજનાથ સિંહ માહિતી આપી રહ્યા હતા તેવામાં ભારતીય સેનાને ઓપરેશન મહાદેવમાં મોટી સફળતા મળી છે. જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય સેનાએ ‘ઓપરેશન મહાદેવ’ હેઠળ સોમવારે તા. ૨૮ જુલાઈ, ૨૦૨૫ના રોજ શ્રીનગરના લિડવાસ વિસ્તારમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીને ઠાર કર્યા હતા. તેમાંથી બે આતંકવાદીઓ ૨૬ એપ્રિલે કાશ્મીરમાં થયેલા પહેલગામ હુમલામાં સામેલ હતા. કાર્યવાહીમાં પહેલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ અને લશ્કર-એ-તૈયબા (એલઈટી) નો ટોચનો કમાન્ડર હાશિમ મુસાને પણ ઠાર કરાયો છે. ઉલ્લેખનીય છે કે, હાશિમ મુસા પહેલા પાકિસ્તાની સેનામાં સૈનિક હતો.
એન્કાઉન્ટરની તસવીરો પણ સામે આવી છે. હાશિમ મુસાને માત્ર પહેલગામ હુમલાનો કાવતરાખોર માનવામાં આવતો ન હતો, પરંતુ તે સોનમર્ગ ટનલ હુમલા માટે પણ જવાબદાર હતો. સુરક્ષા દળોને આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો પણ જપ્ત કર્યા છે. જેમાં અમેરિકન કાર્બાઇન, એકે-૪૭, ૧૭ રાઇફલ ગ્રેનેડ અને અન્ય સામગ્રીનો સમાવેશ થાય છે. ભારતીય સેના માટે આ એક મોટી સફળતા છે, કારણ કે પહેલગામ હુમલાના તમામ આતંકવાદીઓ માર્યા ગયા છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુપ્ત માહિતીના આધારે, સુરક્ષા દળોએ હરવાનના મુલનાર વિસ્તારમાં આતંકવાદ વિરોધી કાર્યવાહી શરૂ કરી હતી. જ્યારે સુરક્ષા કર્મચારીઓ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા, ત્યારે દૂરથી ગોળીબારનો અવાજ સંભળાયો. વિસ્તારમાં વધારાના દળો મોકલવામાં આવ્યા છે અને આતંકવાદીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન વધુ તીવ્ર બનાવવામાં આવ્યું છે.
લિડવાસ શ્રીનગરની બહારનો એક ગીચ જંગલ વિસ્તાર છે, જે ત્રાલને પહાડી માર્ગે જાેડે છે. આ વિસ્તારમાં અગાઉ પણ ટીઆરએફની આતંકવાદી પ્રવૃત્તિઓના અહેવાલો આવ્યા છે. આ ઓપરેશનનું નેતૃત્વ સેનાના ચિનાર કોર્પ્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેણે ત્રણ આતંકવાદીઓને માર્યા ગયાની પુષ્ટિ કરી છે. આ દરમિયાન, દાચીગામ જંગલના ઉપરના ભાગોમાં સીઆરપીએફ અને જમ્મુ અને કાશ્મીર પોલીસનું સંયુક્ત ઓપરેશન હજુ પણ ચાલુ છે. આ એ જ વિસ્તાર છે જ્યાં જાન્યુઆરીમાં પણ ટીઆરએફના એક ઠેકાણાને તોડી પાડવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે બે દિવસ પહેલા શંકાસ્પદ પ્રવૃત્તિઓ મળી આવી હતી.