ચાંદલોડિયામાં સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાએ ફરિયાદ નોંધાવી
27, એપ્રીલ 2025

અમદાવાદ, શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતી પરિણીતાએ મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસરિયા વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. મહિલાના લગ્ન વર્ષ ૨૦૨૩માં ઉત્તરપ્રદેશના એક યુવક સાથે થયા હતા. લગ્ન પહેલા ફેબ્રુઆરી મહિનામાં મહિલાના પતિએ નવી ગાડી અને અન્ય ચીજ વસ્તુ ખરીદવા માટે દહેજ પેટે રૂપિયા ૫૫ લાખની માંગણી કરી હતી. જેથી મહિલાના પિતાએ અમુક રકમ રોકડ અને બેંક મારફતે આપી હતી. બાદમાં સગાઈ કરી ત્યારે પણ તેના પિતાએ રૂપિયા ૫ લાખનો વ્યવહાર કર્યો હતો. લગ્નના દસેક દિવસ બાદ મહિલાના સસરાને કેન્સરની બીમારીની સારવાર માટે અમદાવાદ લાવવામાં આવ્યા હતા.જ્યાં તેની નણંદ મહિલાને ઘરકામ બાબતે હેરાન પરેશાન કરતી હતી. સસરાના મૃત્યુ સમયે પણ સારવારનો ખર્ચો વધારે થતાં મહિલાના પિતાએ તેના પતિને એક લાખ રૂપિયા આપ્યા હતા. છતાં તેના સાસુ “તું કાળી છે, તું નીચી છે. અપશુકનિયાળ છે. તારા આવવાથી મારા પતિ મરણ ગયેલ છે.” તેમ કહીને માનસિક ત્રાસ આપતા હતા.સાસરિયાના ત્રાસથી મહિલા તેના પિયરમાં આવી ગઈ હતી. જાેકે તેના સાસરિયા સમાધાન કરીને તેને પરત સાસરીમાં લઈ ગયા હતા. મહિલા ફોનમાં તેના માતા પિતા સાથે વાતચીત કરે તો તેનો પતિ ઉશ્કેરાઈ જઈને ફોન લઈ મહિલાને ઘરની બહાર કાઢી મૂકતો હતો. ઘરના સભ્યોની સામે જ સ્પીકર પર ફોનમાં વાત કરવા માટે મજબૂર કરતો. એટલું જ નહીં વારંવાર છૂટાછેડા આપી દેવા માટે પણ ધાકધમકી આપતો હતો. જ્યારે જન્મદિવસ નિમિત્તે તેના પતિએ આઇફોનની માંગણી કરતા મહિલાના માતા પિતાએ આઇફોન ગિફ્ટ કર્યો હતો.મહિલા અને તેનો પતિ ગાડીમાં જેતપુર જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં કોઈ બાબતને લઈને ઝઘડો થતાં તેના પતિએ ટ્રેક્ટર સાથે ગાડી અથડાવી દીધી હતી. જેમાં મહિલાને ઈજા પહોંચી હતી. જે બાબતની જાણ મહિલાએ તેના પતિને કરતા તેને સાસરીમાંથી પિયરમાં લઈ ગયા હતા. અનેક પ્રયત્ન બાદ સાસરિયાએ સમાધાન ન કરતા અંતે મહિલાએ આ બાબતની જાણ પોલીસને કરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution