નવીદિલ્હી 

પાકિસ્તાનના ડાબોડી બોલર અને દુનિયાના સૌથી શ્રેષ્ઠ બોલરમાં જેની ગણના થાય છે તેવા મોહમ્મદ આમીરે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડથી કંટાળીને નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. આમીરના આ નિર્ણયે દુનિયાભરના ક્રિકેટ ચાહકોને હેરાન કરી દીધા હતા. માત્ર 28 વર્ષની ઉંમરે જ ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહેનારા આમીરે પાકિસ્તાન માટે 119 ટેસ્ટ વિકેટ, 81 વન-ડે અને 59 ટી-20 વિકેટ મેળવી છે. આમીરના સંન્યાસ લેવાનું કારણ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ છે.

આમીરે જેવું ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું કે સોશ્યલ મીડિયા પર ચાહકો પોતાની નિરાશા વ્યક્ત કરવા લાગ્યા હતા. ખાસ કરીને પાકિસ્તાની ચાહકો અત્યંત દુ:ખી થયા હતા. અનેક ચાહકોએ તેની ડેથ બોલિંગ અને મેચ પલટવાના દમખમને યાદ કર્યું હતું. ચાહકોએ આમીરને આ નિર્ણય પરત લેવાની અપીલ પણ કરી હતી. સાથે સાથે અમુક ક્રિકેટપ્રેમીઓએ આ માટે સ્પષ્ટ રીતે પીસીબીને દોષિત ઠેરવ્યું હતું.ઉલ્લેખનીય છે કે આમીરને પાકિસ્તાની ટીમે ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે પસંદ કર્યો નથી. 

આ પાછળ કોઈ સચોટ કારણ પણ અપાયું નથી. આમીર પાછલા વર્ષથી જ ટીમ મેનેજમેન્ટથી નારાજ હતો. આમીરે જૂલાઈ-2019માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલાં જ ક્રિકેટમાંથી સન્યાસ લઈ લીધો હતો. હવે આમીર ભારતીય ફ્રેન્ચાઈઝી પૂણે ડેવિલ્સ તરફથી અબુધાબીમાં ટી-20 લીગમાં રમતો જોવા મળશે. 28 જાન્યુઆરીથી શરૂ થનારી આ ટૂર્નામેન્ટમાં પૂણે ડેવિલ્સે આમીરને પહેલી વખત સામેલ કર્યો છે. આ ટીમના કોચ પૂર્વ સાઉથ આફ્રિકન ખેલાડી જોન્ટી રોડસ છે. ટીમમાં આમીર ઉપરાંત થિસારા પરેરા પણ છે.